જન્માષ્ટમી પર ગોકુળ-મથુરા પહોંચી જાવ, આ 4 જગ્યાએ ધામધૂમથી ઉજવાય છે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ…

Janmashtami 2025: ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ સનાતન ધર્મના મુખ્ય પૂંજનીય ભગવાન છે. તેથી તેમના જન્મદિવસને ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો. સમગ્ર દેશમાં આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલા એવા ગોકુળ અને મથુરામાં જન્માષ્ટમી વિશેષ રીતે મનાવવામાં આવે છે. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમે પણ આ સ્થળોએ જઈને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લઈ શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો અનુભવ કરી શકો છો. અહીં ગોકુળ અને મથુરાના કેટલાક મુખ્ય સ્થળોની યાદી આપવામાં આવી છે.

બાળલીલાઓ સાથે જોડાયેલું ગોકુળ
શ્રીમદ ભાગવદ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તેથી મથુરા ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે. મથુરામાં યમુના નદીના કિનારે પ્રાચીન દ્વારકાધીશ મંદિર આવેલું છે. અહીં જન્માષ્ટમીની ભવ્ય તૈયારી કરવામાં આવે છે. તેથી તમે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ પર જઈને પ્રાચીન મંદિરના દર્શન અને યમુના નદીમાં નૌકાવિહારનો લ્હાવો પણ લઈ શકો છો.

મથુરામાં જન્મ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણનું ગોકુળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગોકુળમાં 84 થાંભલા પર ઊભેલું એક પ્રાચીન મંદિર આવેલું છે. અઢી વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અહીં રહ્યા હતા અને પુતના વધ જેવી બાળ લીલાઓ કરી હતી. આ મંદિરમાં માતા યશોદા, નંદબાબા, ભાઈ બલરામની સાથે લડ્ડુ ગોપાલની મૂર્તિ આવેલી છે. જન્માષ્ટમી પર તમે આ મંદિરના દર્શન પણ કરી શકો છો.
ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. અહીં રહીને બાળ કૃષ્ણએ ઘણી લીલાઓ કરી હતી. માટી ખાઈને માતાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવવા એ પણ તે પૈકીની એક લીલા છે. આ લીલા સ્થળ ગોકુળમાં યમુના નદીના કિનારે આવેલું છે. જે બ્રહ્માંડ ઘાટ તરીકે ઓળખાય છે. આ જગ્યા શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની યાદ અપાવે છે.
રમણરમેતીની રેતીમાં કરો જાતને સમર્પિત
ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં છે, એવી જાણ થતા મથુરાના રાજા કંસે તેઓને મારવાના ઘણા પ્રયાસો કર્યા હતા. જેથી ગોકુળમાં રાક્ષસોનો આતંક વધી ગયો હતો. તેથી નંદબાબા અને માતા યશોદાએ ગોકુળ છોડીને નંદગામમાં રહેવા ગયા હતા. અહીં નંદભવન પણ આવેલું છે. નંદગામના દરેક ઘર અને ગલી સાથે ભગવાન શ્રી કૃષ્ણને કોઈને કોઈ લીલા જોડાયેલી છે. તેથી તમે જન્માષ્ટમી પર નંદગામમાં પણ ફરવા જઈ શકો છો.

મથુરાથી દસ કિલોમીટર દૂર રમણરેતી નામનું સ્થળ આવેલું છે. અહીં યમુનાની રેતીમાં ભગવાન શ્રી કૃષ્ણ આળોટ્યા હતા. આ એક શાંત વિસ્તાર છે. અહી એક સુંદર કૃષ્ણ મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ પણ અહીં આવીને રેતીમાં આળોટે છે અને પોતાની જાતને વૃજની રજમાં સમર્પિત કરે છે. આમ, તમે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા ગોકુળ-મથુરાના મહત્ત્વપૂર્ણ સ્થળોના દર્શન કરીને તેમના સાંનિધ્યમાં હોવાનો અનુભવ કરી શકો છો.

આ પણ વાંચો…જન્માષ્ટમી પહેલા ઘરે લાવજો આ 9 વસ્તુઓ, ભગવાન શ્રી કૃષ્ણ વરસાવશે કૃપા…