કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાના ગોળીબારમાં બે આતંકી ઠાર
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની બીજી કાર્યવાહીમાં સેનાએ શનિવારે સવારે કુપવાડામાં “ઓપરેશન ગુગલધર” દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓપરેશન ગુગલધરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી યુદ્ધસામગ્રી મળી આવી છે. હાલ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે અને ઓપરેશન ચાલુ છે.”
સેનાએ આગળ કહ્યું હતું કે સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને આતંકવાદીઓને પડકાર્યા હતા. ત્યારબાદ ગોળીબાર થયો હતો. સેનાએ કહ્યું, “4 ઓક્ટોબર 2024ના રોજ ઘૂસણખોરીની ગુપ્ત બાતમીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ આતંકીઓને પડકાર ફેંકતા જ ગોળીબાર શરૂ થયો હતો અને સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. હાલ પણ અભિયાન ચાલી રહ્યું છે.
સેનાએ કહ્યું હતું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે.
શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં એલઓસી પર ગુગલદરામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થયેલા વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા.” બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે