
પુલવામા: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો(Terrorist Killed) હોવાના અહેવાલ છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે પુલવામા શહેરથી બે કિમી દૂર ફારસીપોરા (Frassipora) ગામમાં એન્કાઉન્ટર સ્થળ પર એક અજાણ્યા આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે.
પ્રદેશમાં આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે.
અહેવાલો મુજબ પુલવામા જિલ્લાના ફારસીપોરાના મુરાન વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વહેલી સવારે આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ થયો હતો.
હાલ આ વિસ્તાર ચુસ્ત સુરક્ષા બદોબસ્ત હેઠળ છે, વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓ દ્વારા ભાગી જવાના કોઈપણ સંભવિત પ્રયાસોને ટાળવા માટે વિસ્તારમાં પ્રવેશવા અને બહાર નીકળવાના માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે.
લગભગ એક અઠવાડિયા પહેલા જ ઉરીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.