કાશ્મીરના કિસ્તાવડમાં તબાહીઃ વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 250 લોકો ગુમ...

કાશ્મીરના કિસ્તાવડમાં તબાહીઃ વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 250 લોકો ગુમ…

રાહત અને બચાવ કામગીરી માટે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

જમ્મુ: કિસ્તાવડસ્થિત ધાર્મિકસ્થળ મચેલના ચસોતી ગામમાં વાદળ ફાટવાની બનેલી ઘટનામાં ઓછામાં ઓછા 40 જણનાં મોત થયાં હતાં તો 100 કરતાં પણ વધુ લોકો જખમી થયા હતા અને 250 કરતાં પણ વધુ લોકો ગુમ હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. કાશ્મીરમાં આ વર્ષની સૌથી મોટી દુર્ઘટના પૈકીના આજના બનાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.

વહીવટીતંત્રના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં પચાસ કરતાં પણ વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવા ઉપરાંત 40 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. ઘટનાનો મરણાંક વધવાની શક્યતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ દુર્ઘટનામાં ભોગ બનનારા લોકોમાં સ્થાનિક સહિત સેનાના જવાનનો પણ સમાવેશ થાય છે. વાદળ ફાટવાને કારણે એ વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

શ્રદ્ધાળુઓ મચેલ ગામમાં પૂજા-પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી એમ જણાવતાં કિસ્તવાડના નાયબ પોલીસ કમિશનર પંકજ શર્માએ કહ્યું હતું કે વાદળ ફાટવાને કારણે કિસ્તવાડના ચસોતી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું અને પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો હતો. ચસોતી, મચેલ માતા યાત્રાનું પ્રારંભ સ્થાન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા મુદ્દે દુખ વ્યક્ત કર્યું હતું. અસરગ્રસ્ત તમામ લોકો સાથે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે રાહત-બચાવ કામગીરી હાથ ધરી છે. જરુરિયાતમંદોને મદદ માટે તમામ સહાય પૂરી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઘટનાને પગલે વહીવટીતંત્ર તાબડતોબ સક્રિય બની ગયું હતું અને રાહત તેમ જ બચાવ કામગીરી આરંભી દીધી હતી. વાદળ ફાટવાને કારણે થયેલાં નુકસાનની આકારણી કરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ઘટનાને મામલે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી. અસરગ્રસ્તો પરત્વે સહાનુભુતિ વ્યક્ત કરી સંભવિત તમામ સહાય આપવાની તેમણે ખાતરી આપી હતી.

અમિત શાહે એલજી, સીએમ સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર અને મુખ્ય પ્રધાન સાથે વાત કરી કિસ્તવારમાં વાદળ ફાટવાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને અસરગ્રસ્ત લોકોને તમામ સહાય પૂરી પાડવાની બાંયધરી આપી હતી.

કિશ્તવાડમાં પ્રશાસન હાઈ એલર્ટ પર
કિશ્તવાડમાં વર્તમાન પરિસ્થિતિને લઈ કિશ્તવાડ પોલીસ અને જિલ્લા પ્રશાસને સમગ્ર જિલ્લાના પ્રશાસનને પૂરા જિલ્લામાં હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઈમર્જન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તહેનાત કરી છે, જે ભારે વરસાદ, પૂર, રસ્તાઓ પરની અવરજવર પર પણ ધ્યાન રાખશે.

સ્થાનિક વહીવટી તંત્રએ બચાવ અને રાહત કામગીરી આરંભી દીધી હોવાનું જણાવતાં શાહે કહ્યું હતું કે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અંતરયિાળ વિસ્તારમાં આવેલા ચાસોતી ગામમાં વાદળ ફાટવાની બનેલી ઘટનામાં ઓછામાં ઓછા અનેક લોકોના મોત થયાં હતાં. વાદળ ફાટવાને કારણે એ વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો…ટેકનોલોજી છતાં વાદળ ફાટવાની આગાહી કેમ અશક્ય? ઉત્તરાખંડની ઘટના પરથી સમજો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button