
કઠુઆ: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓ આશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો(Terrorist attack) કર્યો છે. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. આ વખતે આતંકીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર ગોળીબાર કર્યો હતો.
આ હુમલા બાદ ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)નો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
અધિકારીઓઓના જણાવ્યા મુજબ છત્રકલામાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુના ADGPએ કહ્યું હતું કે ફાયરિંગમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને એક નાગરિક ઘાયલ થયો છે, પરંતુ હવે વિસ્તાર ખતરાની બહાર છે. ઓપરેશન હજુ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે.
હાલમાં આ વિસ્તારમાં કોઈ ગોળીબાર નથી થઇ રહ્યો. પરંતુ સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેઓએ આતંકવાદીઓને જોયા છે. લોકો એ કહ્યું કે તેણે અમારી પાસે પાણી માંગ્યું. લોકો આખી રાત ભય હેઠળ વિતાવી, ગામમાં કોઈ સૂઈ શક્યું નથી.
કઠુઆ જિલ્લામાં એક ઘર પર આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયાના થોડા કલાકો બાદ જ ડોડામાં આ આતંકવાદી હુમલો થયો છે. સુરક્ષા દળોએ રિયાસીમાં ચારે બાજુથી જંગલોને ઘેરી લીધા છે, આવામાં કઠુઆ અને ડોડામાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.