Jammu Kashmir ના કઠુઆમાં છૂપાયેલા જૈશના ત્રણ આતંકીઓને ઝડપવા સર્ચ ઓપરેશન તેજ

કઠુઆ : જમ્મુ-કાશ્મીરના(Jammnu Kashmir)કઠુઆ જિલ્લામાં જૈશના ત્રણ આતંકી છુપાયા હોવાનાના ઇનપુટ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, આ દરમિયાન સોમવારે રાત્રે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. કઠુઆ જિલ્લાના રામકોટ વિસ્તારના પંચતીર્થીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા આઠ દિવસમાં આ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જંગલમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે રાત્રિ દરમિયાન ઘેરાબંધી કરવામાં આવી હતી.
છેલ્લા આતંકવાદીને ખતમ ન કરવામાં આવે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે
આ પૂર્વે પણ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શિવકુમાર શર્માએ કહ્યું હતું કે છેલ્લા આતંકવાદીને ખતમ ન કરવામાં આવે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. તેમણે સરહદ નજીક રહેતા લોકોને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવા વિનંતી કરી. શર્માએ જણાવ્યું હતું કે ઓપરેશન ચાલુ છે અને જ્યાં સુધી એક પણ આતંકવાદી બાકી છે ત્યાં સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસ તેનું મિશન ચાલુ રાખશે. અમારું દળ આતંકવાદને ખતમ કરવા અને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: External Debt: ભારતના વિદેશી દેવામાં થયો તોસ્તાન વધારો, જાણો સરકારના આંકડાઓ
એર સર્વેલન્સ અને સ્નિફર ડોગ્સની મદદથી આતંકીની શોધખોળ તેજ
જ્યારે સુરક્ષા દળોએ એર સર્વેલન્સ અને સ્નિફર ડોગ્સની મદદથી ત્રણેય આતંકીની શોધખોળ તેજ કરી દીધી છે. 27 માર્ચે કઠુઆના સાન્યાલ વિસ્તારમાં થયેલ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ચાર પોલીસકર્મી શહીદ થયા હતા. આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સહિત ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ પહેલા 23 માર્ચે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નર્સરી વિસ્તારમાં આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું પરંતુ આતંકવાદીઓ ભાગી ગયા હતા.