કાર ચાલકની સામાન્ય બેદરકારીએ ક્રિકેટરનો જીવ લીધો, જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના આશાસ્પદ ક્રિકેટર ફરીદ હુસૈનનું એક માર્ગ અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે, જેમાં જોવા મળે છે કે સામાન્ય લાગતી બેદરકારી કોઈનો જીવ લઇ શકે છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
સીસીટીવી ફૂટેજ જોવા મળે છે કે ફરીદ હુસૈન તેના સ્કૂટર પર સવાર થઇને જઈ રહ્યો છે, ત્યારે રોડની રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલ્યો અને ફરીદનું સ્કૂટર કારના દરવાજા સાથે અથડાયું. ફરીદ સ્કૂટર પરથી નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી. આસપાસના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ સારવાર દરમિયાન શનિવારે તેનું મોત નીપજ્યું.
સોશિયલ મીડિયા પર ચર્ચા:
વિડીયોમાં જોઈ શકાય છે કે ફરીદના સ્કૂટરની સ્પીડ વધુ ન હતી, છતાં કારનો દરવાજો અચાનક ખુલવાથી તેને બચવાની તક ન મળી અને તે જમીન પર પટકાયો. ફરીદ સાથે થયેલા અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જે અંગે ચર્ચાઓ શરુ થઇ છે. યુઝર્સ રોષ ઠાલવી રહ્યા છે કે સામાન્ય બેદરકારીને કારણે કોઈનો જીવ જઈ શકે છે.
સ્થાનિક ક્રિકેટને મોટી ખોટ:
ફરીદ જમ્મુ અને કશ્મીરનો આશાસ્પદ ક્રિકેટર હતો, તેનું મૃત્યુ થતા પ્રદેશના ક્રિકેટને મોટું નુકસાન થયું છે. હુસૈન સ્થાનિક સ્તરે જાણીતો ક્રિકેટર હતો, તે પ્રાદેશિક ધોરણે ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો. સ્થાનિક ક્રિકેટ ધીમે ધીમે તેનું નામ નામ બનાવી રહ્યો હતો. લોકોના જણાવ્યા મુજબ ફરીદ મહેનતુ અને પ્રતિભાશાળી ક્રિકેટર હતો. તેમની કારકિર્દી હજુ પ્રારંભિક તબક્કામાં હતી, તે વધુ આગળ વધી શકે એ પહેલા આ અસ્કામત સર્જાયો.