જમ્મુ કાશ્મીર ‘શીતલહેર’ની ઝપેટમાંઃ પાઈપલાઇનમાં જામ્યો બરફ, પહેલીથી હિમવર્ષા થશે
શ્રીનગર: સમગ્ર કાશ્મીર ગંભીર શીત લહેરની ઝપેટમાં છે અને લઘુત્તમ તાપમાન માઇનસ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, એમ હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, આવતીકાલે શુક્રવાર અને શનિવારે ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ઘાટીમાં શીત લહેર યથાવત છે. તાપમાનનો પારો ગગડવાના કારણે અનેક જળાશયો અને વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાની લાઈનોમાં પાણી જામી ગયું હતું. દાલ સરોવરમાં પણ બરફના થર જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ સાત ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું, જ્યારે અગાઉ મંગળવારે રાત્રે તાપમાન માઈનસ 7.3 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
આ પણ વાંચો : કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોમાં મોસમની થઈ પહેલી હિમવર્ષાઃ શ્રીનગર-લેહ હાઈ-વે બંધ
બુધવારે રાત્રે નોર્થ કાશ્મીરના પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ છ ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કોનિબલ વેલીમાં લઘુત્તમ તાપમાન માઇનસ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. આ સાથે કોનિબલ વેલી સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.
કુપવાડામાં લઘુત્તમ તાપમાન માઇનસ 6.7 ડિગ્રી સેલ્સિયસ જ્યારે કોકરનાગમાં માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શુક્રવાર બપોરથી શનિવાર બપોર સુધી જમ્મુ અને કાશ્મીરને અસર થઇ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સિસ્ટમની અસરને કારણે શનિવારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહેલીથી 4 જાન્યુઆરી દરમિયાન કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ હળવી હિમવર્ષા થવાની સંભાવના છે.