અચાનક બોમ્બ ફૂટવાનો અવાજ પછી તબાહી, કિશ્તવાડના પીડિતોએ વ્યક્ત કર્યા ખતરનાક અનુભવો…
મૃત્યુઆંકમાં થયો વધારો, હજુ સેંકડો લોકો ગુમ

કિશ્તવાડ, જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા ચિશોતી ગામમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત થયાં છે. આ ગામની તસવીરો અને વીડિયો જોતા અનુમાન લગાવી શકાય છે કે, તે ક્ષણ કેટલી ભયાનક હશે.
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો હજી પણ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યાં છે. અનેક લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યાં છે. જેથી મોતના આંકડામાં વધારો થશે તે સ્વાભાવિક છે.
અચાનક બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યોઃ સ્થાનિક
કિશ્તવાડમાં અચાનક આવેલા પૂરના કારણે અનેક લોકોનું અકાળે મોત થયું છે. આમાંથી બચી ગયેલા લોકોએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, અચાનક બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો હતો.
લોકો ભાગો ભાગોની બૂમો મારીને ભાગવા લાગ્યાં હતા. અનેક લોકો નીચે દટાઈ ગયા હતા જ્યારે કેટલાક લોકો વીજળીના થાંભલા પર ચઢી ગયાં હતી. એક વ્યક્તિએ કહ્યું કે, મારી ઉપર વીજળીનો થાંભલો પડી ગયો હતો.
2 મિનિટમાં જ ત્યાં 4 ફૂટ કાટમાળ આવી પહોચ્યોઃ સ્થાનિક
એક વ્યક્તિએ કહ્યું કે, અચાનક ધમકા જેવો અવાજ આવ્યો હતો. વાદળ ફાટ્યું એટલે અમે ત્યાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ 2 મિનિટમાં જ ત્યાં 4 ફૂટ કાટમાળ આવી પહોચ્યો હતો. અમે લોકોને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ કેટલાક લોકો અંદર ફસાઈ ગયા હતાં.
વધુમાં કહ્યું કે, અમે 11 લોકો સુરક્ષિત છીએ પરંતુ મારી પુત્રી અને મારી પત્ની કાટમાળમાં ફસાઈ ગયા હતા’. જો કે, અત્યારે તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં 160 લોકોને બચાવી લેવામાં આવ્યાં
વાદળ ફાટવાની આ ઘટનામાં અત્યાર સુધીમાં 46 મૃતદેહો મળ્યા છે, જેથી માત્ર 21ની ઓળખ થઈ શકી છે. બાકીના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે અધિકારીઓએ એક વોટ્સએપ ગ્રૃપ બનાવ્યું છે. જેના માધ્યમથી જે તે પરિવાર સુધી માહિતી પહોંચી શકે.
તંત્ર દ્વારા અત્યાર સુધમાં 160 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જેમાંથી 38 લોકોની હાલત અત્યારે અત્યંત ગંભીર છે. હજી પણ કાટમાળ નીચે લોકો દટાયેલા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો વધી શકે છે તેવું અધિકારીઓનું કહેવું છે.
આ પણ વાંચો…કાશ્મીરના કિસ્તાવડમાં તબાહીઃ વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 250 લોકો ગુમ…