Jammu Kashmir ના બાંદીપોરામાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ

બાંદીપોરા : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)બાંદીપોરા જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડતાં બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાંદીપોરા જિલ્લાના વુલર વ્યૂપોઈન્ટ પાસે બની હતી. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મસરત ઈકબાલ વાનીએ જણાવ્યું હતું કે, અહીં પાંચ ઘાયલોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી બેના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા, 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ
ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત ત્યારે સર્જાયો જયારે સેનાનો ટ્રક વળાંક પણ હતો અને તેને વાળવાના પ્રયાસમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ટ્રેક પહાડી પરથી નીચે ખાઈમાં પડ્યો હતો. જ્યારે અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગિરી હાથ ધરવામાં આવી હતી. તમામ સૈનિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પુંછ જિલ્લામાં પણ દુર્ઘટનામાં પાંચ જવાન શહીદ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં 10 દિવસ પૂર્વે પણ સેનાનું એક વાહન લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ અંગે સંરક્ષણ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છ વાહનોના કાફલામાંથી સેનાનું એક વાહન પુંછ નજીક ઓપરેશનલ ટ્રેક પરના રસ્તા પરથી લપસીને ખાઇમાં પડ્યું હતું.