નેશનલ

જમ્મુમાં હવે AIIMS પણ છે અને IIT-IIM પણ છે, પીએમ મોદીએ જમ્મુમાં પરિવારવાદ પણ સાધ્યુ નિશાન

શ્રીનગરઃ પીએમ મોદી હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે અહીંના લોકોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જમ્મુમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને વિકસિત રાજ્ય બનાવવાનો છે અને તેમની સરકાર આ સંકલ્પ સાથે જ કામ કરી રહી છે. આ દરમિયાન પીએમએ પરિવારવાદની રાજનીતિ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે આપણા યુવાનો અને યુવા પુત્ર- પુત્રીઓ પરિવારવાદનું નુકસાન ભોગવી રહ્યા છે. પીએમની આ બેઠક જમ્મુના મૌલાના આઝાદ મેદાનમાં થઈ રહી છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત વિકસિત ભારત વિકસિત જમ્મુ કાર્યક્રમ અંતર્ગત થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દા જાણીએ.


જમ્મુના મૌલાના આઝાદ મેદાનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે નવું ભારત તેની વર્તમાન પેઢીને આધુનિક શિક્ષણ આપવા માટે વધુને વધુ ખર્ચ કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં રેકોર્ડ સંખ્યામાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ થયું છે.


પરિવારવાદ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે જે સરકારો માત્ર એક પરિવારને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત છે, તેઓ તેમના રાજ્યના અન્ય યુવાનોનું ભવિષ્ય દાવ પર લગાવે છે. આવી કુટુંબલક્ષી સરકારો યુવાનો માટે યોજનાઓ બનાવવામાં પણ પ્રાથમિકતા આપતી નથી. જે લોકો ફક્ત તેમના પરિવાર વિશે જ વિચારે છે તેઓ ક્યારેય તમારા પરિવારની ચિંતા કરશે નહીં. મને ખશી છે કે જમ્મુ કાશ્મીરના લોકોને પરિવારવાદી રાજકારણમાંથી મુક્તિ મળી રહી છે.


પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ- કાશ્મીરના લોકો જે ઉત્સાહ અને સ્પષ્ટતા સાથે મારી સાથે વાત કરી રહ્યા હતા અને તેમના અનુભવો વર્ણવી રહ્યા હતા, તે તેમની ખુશી અને સંતોષ દર્શાવે છે. દેશમાં જે પણ વ્યક્તિ એ વાતચીત સાંભળી રહી હશે, તેનું મનોબળ વધ્યું હશે, તેનો આત્મવિશ્વાસ મજબૂત થયો હશે… તેમને ‘મોદીની ગેરંટી’નો સાચો અર્થ સમજાયો હશે.


પીએમએ કહ્યું કે એવા દિવસો હતા જ્યારે જમ્મુ-કાશ્મીરથી માત્ર નિરાશાજનક સમાચાર જ આવતા હતા. બોમ્બ, બંદૂક, અપહરણ, અલગતાવાદીઓના ફતવા… આવી વસ્તુઓ જમ્મુ-કાશ્મીરની કમનસીબી બની ગઈ હતી, પરંતુ આજે જમ્મુ-કાશ્મીર વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.


વિકાસ યોજનાઓની વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે હવે અમે વિકસિત જમ્મુ અને કાશ્મીર માટે પ્રતિજ્ઞા લીધી છે. મને તમારામાં વિશ્વાસ છે. આપણે જમ્મુ-કાશ્મીરને વિકસિત બનાવીશું. આવનારા કેટલાક વર્ષોમાં મોદી તમારા છેલ્લા 70 વર્ષથી અધૂરા સપના પૂરા કરશે.


પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું લખપતિ દીદીની વાત કરું છું તો જે લોકો દિલ્હીના એસી રૂમમાં બેસીને દુનિયાભરની વાતો કરતા રહે છે તેઓ સ્વીકારી શકતા નથી કે ગામમાં કોઈ લખપતિ દીદી બની શકે છે, પણ સાયનાજીએ આ કરીને બતાવ્યું છે. હવે તેઓ સમજશે કે આ શક્ય છે. નોંધનીય છે કે લખપતિ દીદી યોજના હેઠળ સરકાર ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા માગે છે. આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે, જેથી તેઓ દર વર્ષે એક લાખ રૂપિયાથી વધુ કમાઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button