જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી આતંકવાદીઓના બે મદદગારની ધરપકડ, દારૂગોળો અને હથિયાર ઝડપાયા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. સુરક્ષા દળો આંતકીઓ અને તેમને મદદ કરનારની સતત શોધખોળ કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓના બે મદદગારોની હથિયારો અને દારૂગોળો સાથે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરની બહારના બુચપોરા શહેરમાં નાકા ચેકિંગ ઓપરેશન દરમિયાન આતંકવાદીના મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ તેમની પાસેથી એક પિસ્તોલ, એક ગ્રેનેડ અને 15 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
આઈઇડી ડિવાઇસ સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત રીતે નાશ કરવામાં આવી
આ ઉપરાંત રવિવારે રાત્રે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક આતંકવાદીઓના છુપાવવાના સ્થળનો પર્દાફાશ કર્યો હતી. જેમાંથી આઈઇડી ડિવાઇસ અને બે વાયરલેસ સેટ જપ્ત કર્યા હતા. પૂંછ જિલ્લાના સુરનકોટ સેક્ટરના હરી મારોટે ગામમાં ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આઈઇડી ડિવાઇસ સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત રીતે નાશ કરવામાં આવી હતી.
આતંકવાદીઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા
માહિતી અનુસાર ધરપકડ કરાયેલા બંને વ્યક્તિઓ સરહદી વિસ્તારમાં હુમલો કરવાના કાવતરાનો ભાગ હતા. બે ઉપકરણો સ્ટીલની ડોલમાં છુપાવેલા હતા. જ્યારે બાકીના ત્રણ ઉપકરણો ટિફિન બોક્સમાં પેક કરેલા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છુપાયેલા સ્થળેથી બે વાયરલેસ સેટ, યુરિયાવાળા પાંચ પેકેટ, પાંચ લિટર ગેસ સિલિન્ડર, એક દૂરબીન, ત્રણ ઊની ટોપીઓ, ત્રણ ધાબળા અને કેટલાક ટ્રાઉઝર અને વાસણો મળી આવ્યા હતા.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યોજાઇ યુએનએસસીની બેઠક, પાકિસ્તાનને ફટકો, કોઇ ઠરાવ પસાર ન થયો