જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર; 2 આતંકી ઠાર, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે અને એક અધિકારી સહિત કુલ 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિક પોલીસ અધિક્ષક મુમતાઝ અલીને એન્કાઉન્ટર સ્થળની નજીક ગોળી વાગ્યા બાદ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
આ પણ વાંચો : Jammu Kashmir માં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
પોલીસે જણાવ્યું કે બે આતંકવાદીઓ ઠાર મરાયા છે અને હાલ વિસ્તારમાં સર્ચ પણ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચતરું વિસ્તારના ગુરિનાલ ગામની ઉપરના ભાગમાં ડન્ના ધાર જંગલ વિસ્તારની નજીક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષા દળો આતંકવાદીઓ સાથે સામસામે આવી ગયા ત્યારે બંને તરફથી ગોળીબાર થયો હતો. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સુરક્ષા કર્મચારીઓ સર્ચ અને કોર્ડન ઓપરેશન માટે ચતરુ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો તેમના બાળકોના સારા ભવિષ્ય માટે ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદથી મુક્ત સરકારની આશા રાખી રહ્યા છે. મોદીએ MAM સ્ટેડિયમ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીએ જમ્મુના લોકોને આગામી સરકાર નક્કી કરવાની ઐતિહાસિક તક આપી છે. તેમણે કહ્યું કે લોકોએ આ તકનો લાભ ઉઠાવીને ભાજપને પસંદ કરવું જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં બે તબક્કામાં ભારે મતદાન થયું હતું.