જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો! ઉત્તર રેલવે વિભાગે 51 ટ્રેનો રદ્દ કરી

જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કઠુઆ અને માધોપુર પંજાબ વચ્ચેનો રેલ માર્ગ ખોરવાઈ ગયો છે. આ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ શકે તેવી સ્થિતિ ના હોવાથી કેટલીક ટ્રેનોને રદ્દ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે 51 જેટલી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.
કઠુઆ અને માધોપુર પંજાબ વચ્ચેના રેલ્વે પુલ પર ટ્રેક અસંતુલિત થવાને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. ઉત્તર રેલવે દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે, યાત્રા કરતા પહેલા તમારી ટ્રેન છે કે નહીં તે અંગે પહેલા જ તપાસ કરી લેવી! 51 ટ્રેનો રદ્દ કરવામાં આવી હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર રેલવે દ્વારા આ ટ્રેનોને રદ્દ કરવામાં આવી
જમ્મુ તાવી-ધનબાદ સ્પેશિયલ (03310), જમ્મુ તાવી-પુણે જેલમ એક્સપ્રેસ (11078), જમ્મુ તાવી-નવી દિલ્હી રાજધાની (12426), જમ્મુ તાવી-હાવડા હિમગીરી એક્સપ્રેસ (12332), જમ્મુ તાવી-પટના અર્ચના એક્સપ્રેસ (12356), જમ્મુ તાવી-અજમેર એક્સપ્રેસ (12414), ઉત્તર સંપર્ક ક્રાંતિ (12446/12445), શ્રી શક્તિ એક્સપ્રેસ (22461/22462), સ્વરાજ એક્સપ્રેસ (12471) સહિત ઘણી મહત્વની ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે
આ ઉપરાંત, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત (22439/22477) અને કટરા-નવી દિલ્હી વંદે ભારત (22440/22478) જેવી ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. વારાણસી-જમ્મુતવી એક્સપ્રેસ (12237) ફક્ત અંબાલા કેન્ટ સુધી જ જશે, જમ્મુતાવી-વારાણસી એક્સપ્રેસ (12238) અંબાલા કેન્ટથી શરૂ થશે. જમ્મુતાવી-કોલકાતા ટર્મિનલ એક્સપ્રેસ (13152) પણ અંબાલા કેન્ટથી ચાલવાની છે.
ખાસ બે સ્પેશિટલ ટ્રેનો શરૂ કરવામાં આવી
પહેલી સ્પેશિયલ ટ્રેન જમ્મુથી દાદાનગર (મઉ) માટે રવાના થશે. આ ટ્રેન લુધિયાણા, નવી દિલ્હી, ગ્વાલિયર અને ભોપાલ થઈને દાદાનગર સુધી જવાની છે. આ ટ્રેનમાં 2 કોચ સેકન્ડ એસી, 1 કોચ ફર્સ્ટ એસી, 4 કોચ થર્ડ એસી, 2 કોચ થર્ડ એસી ઇકોનોમી, 6 સ્લીપર અને 4 જનરલ કોચ રાખવામાં આવ્યાં છે. બીજી સ્પેશિયલ ટ્રેન જમ્મુથી છાપરા સુધી લુધિયાણા, મુરાદાબાદ, ગોંડા અને બસ્તી રૂટ પરથી પસાર થશે. આ ટ્રેનમાં 1 કોચ સેકન્ડ એસી, 10 કોચ થર્ડ એસી ઇકોનોમી, 5 સ્લીપર અને 4 જનરલ કોચ હશે. રેલ્વે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બંને ટ્રેનોનો પ્રસ્થાન સમય કામચલાઉ છે અને જરૂરિયાત મુજબ ફેરફાર શક્ય છે.
આ પણ વાંચો…જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા એલર્ટ રહેવા સૂચના