કાશ્મીરમાં હવે કુદરત રુઠીઃ વાદળ ફાટવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઠપ, દાલ લેકમાં બોટ ઊંધી વળી

જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં પહેલા આતંકવાદી હુમલો અને હવે ભારે વરસાદના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. અહીં વાદળ ફાટવાના કારણે સેરી રામબનના ઉપરના ભાગોમાં અચાનક પૂર આવી ગયું છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે રામબન જિલ્લાના ચંબા સેરી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન થયું છે. જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ
આ સમગ્ર બાબતે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ચંબા સેરી વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં બન્ને બાજુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા હજી પણ દાલ તળાવ અને આસપાસ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તળાવોમાં બોટિંગ ન કરવા ચેતવણી આપવામાં આવી
કાશ્મીર ઘાટીમાં સ્થિત દાલ લેકમાં મોટી દુર્ઘટના ઘટી હતી. પ્રવાસીઓને લઈ જતી એક શિકારા ભારે પવનને કારણે ઊંધી વળી ગઈ હતી અને ઘણા પ્રવાસીઓ તળાવમાં પડી ગયા હતા. ઘટનાસ્થળનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં ડૂબતા લોકોએ મદદ માટે અપીલ કરી હતી.
દરમિયાન કાશ્મીરના વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના કારણે દાલ લેક, વુલર તળાવ અને અન્ય તળાવોમાં શિકારા સવારી/બોટિંગ ન કરવા ચેતવણી આપવામાં આવી છે. કારણે વરસાદ સાથે સાથે ભારે વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે. અત્યારે ભારે વરસાદના કારણે ચિનાબ નદીમાં પાણીનું સ્તર સતત ઉપર આવી રહ્યું છે.
અગાઉ વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન પણ આવ્યું હતું
નોંધનીય છે કે, આ પહેલા 20મી એપ્રિલે પણ અહીં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન પણ આવ્યું હતું અને તેના કારણે કારણે 3 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન 100 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તે વખતે પણ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ થઈ ગયો હતો. આજે પણ વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું અને વાહનવ્યવહારને અસર થઈ હતી.