જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટુકડી આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આજે શનિવારે સવારે સતત ચોથા દિવસે અનંતનાગ કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની સેનાની અથડામણ ચાલુ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા ઘેરાયેલા કોકરનાગના જંગલોમાં સ્થિત પહાડીઓમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. ઓપરેશનને ઝડપથી સમાપ્ત કરવા માટે રોકેટ લોન્ચર અને અન્ય ભારે હથિયારોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના આતંકવાદીઓને મારવા માટે પહાડો પર ડ્રોન વડે બોમ્બમારો કરી રહી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીએ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું હતું કે ચોક્કસ ઇનપુટના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 2-3 આતંકીઓ ઘેરાયેલા છે, જેને જલ્દી પકડી પાડવામાં આવશે.
ત્યારે બીજી તરફ બારામુલ્લા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે શંકાસ્પદોની તલાશી દરમિયાન બે ગ્લોક પિસ્તોલ, બે મેગેઝીન, પિસ્તોલના બે સાયલેન્સર, પાંચ ચાઈનીઝ ગ્રેનેડ અને 28 કારતૂસ મળી આવ્યા હતા. પકડાયેલા શખ્સો પાકિસ્તાન સ્થિત આતંકવાદી માસ્ટર્સના ઇસાર પર શસ્ત્રો અને દારૂગોળાની સીમા પારથી દાણચોરીમાં કરી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે તેને લશ્કરના આતંકવાદીઓ સુધી પહોંચાડતા હતા. આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
Taboola Feed