
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગત ગુરુવારે વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરને કારણે 60થી વધુ લોકોના મોત થયા છે, હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, એવામાં જમ્મુ અને કાશ્મીરમાં ફરી કુદરતનો કહેર વરસ્યો છે.
કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક ભયંકર પુર (Cloud burst in Kathua) આવ્યું હતું, જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ ઘાયલ થયા છે.
ગત મધ્યરાત્રિએ આ ઘટના બની હતી. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરથી લોકસભા સાંસદ અને કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહે X પર પોસ્ટ કરી આ ઘટના અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે જંગલોટ વિસ્તારમાં વાદળ ફાટવાની માહિતી મળ્યા બાદ કઠુઆના એસએસપી સાથે વાત કરી, ચાર લોકોના મોત થયા છે.
એક રેલ્વે ટ્રેક, નેશનલ હાઈવે અને એક પોલીસ સ્ટેશનને પણ નુકસાન થયું છે. વહીવટીતંત્ર, લશ્કરી અને અર્ધલશ્કરી દળો ઘટના સ્થળે પહોંચ્યા છે.
જીતેન્દ્ર સિંહે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશન શરુ:
અહેવાલ મુજબ આજે રવિવારે વહેલી સવારે જુથાના જોડ નામના સ્થળે ભૂસ્ખલન થતાં એક પરિવાર કાટમાળ નીચે દટાયો ગયો છે. જિલ્લાના રાજબાગ વિસ્તારના ગામ ઘાટી અને નજીકના બે અન્ય સ્થળોએ વાદળ ફાટવાના બનાવો બન્યા હતા.
જેના કારણે ગામો સંપર્કવિહોણા બન્યા છે. પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમ ઘટના સ્થળ પહોંચી છે અને સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં “ભારેથી અતિભારે વરસાદ” પડી શકે છે.તંત્રએ લોકોને જળસ્ત્રોતો દૂર રહેવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ