જળ સંસાધનોની યોજનાઓ માટે 98 ટકાથી વધુ ફંડનો કરાયો ખર્ચ: સરકારનો દાવો

નવી દિલ્હીઃ જળ શક્તિ મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25માં પાણી સંબંધિત યોજનાઓ માટે ફાળવવામાં આવેલા કેન્દ્રીય ભંડોળનો લગભગ સંપૂર્ણ ઉપયોગ કરી લીધો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર માર્ચ 2025ના અંત સુધીમાં 98.39 ટકા ભંડોળ ખર્ચવામાં આવ્યું હતું.
‘2024-25 માટે યોજનાઓના ભંડોળની ઉપલબ્ધતા અને ઉપયોગ પરના રિપોર્ટ અનુસાર જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગે કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ (સીસીએસ) અને કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ હેઠળ ભંડોળનો ઉપયોગ કર્યો હતો.
આપણ વાંચો: રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી
સરકાર ભંડોળ પૂરું પાડે પણ અમલીકરણની જવાબદારી રાજ્યોની
કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ એટલે કે એવી યોજનાઓ જેમાં મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, પરંતુ અમલીકરણની જવાબદારી રાજ્ય સરકારોની છે. ઘણી વખત રાજ્યોને પણ આંશિક યોગદાન આપવું પડે છે. કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ એટલે કે એવી યોજનાઓ જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેનો અમલ કરે છે. રાજ્યોની કોઇ હિસ્સેદારી હોતી નથી.
કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાંથી 5,376 કરોડ રુપિયા ખર્ચ્યા
કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ માટે બજેટ અંદાજ 13,431.48 કરોડ હતું, જેમાંથી 13,216.34 કરોડ ખર્ચાયા હતા. જ્યારે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ માટે 6,573.73 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 5,376.73 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે 81.79 ટકા ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સાબરમતીની જેમ થશે યમુના સ્વચ્છ, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન
આ વખતે ભંડોળનો ઉપયોગ ઝડપી કરવામાં આવ્યો
રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 24માં કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ હેઠળ માત્ર 49.45 ટકા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે ભંડોળનો ઉપયોગ ખૂબ ઝડપી ગતિએ કરવામાં આવ્યો હતો. કુલ મળીને તમામ સ્ત્રોતોમાંથી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે 15,804.73 કરોડ અને તમામ સ્ત્રોતોમાંથી કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ પર 5,376.73 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
રાજ્યના નોડલ ખાતાઓમાં બચતમાં થયો ઘટાડો
અધિકારીઓનું કહેવું છે કે ભંડોળ મુક્તિ પ્રક્રિયાને સરળ બનાવવા અને રાજ્યો સાથે વધુ સારા સંકલનને કારણે આ સુધારો શક્ય બન્યો છે. રાજ્યો અને નોડલ એજન્સીને મોકલવામાં આવેલા ભંડોળમાં પણ વધારો થયો છે.
નાણાકીય વર્ષ 24માં 2,902.73 કરોડથી વધીને નાણાકીય વર્ષ 25માં 4,756.48 કરોડ થયા છે. રાજ્યના નોડલ ખાતાઓમાં બચત પણ ઘટી છે, જેનો અર્થ એ થાય કે ભંડોળનો ઉપયોગ જમીન પર ઝડપથી થાય છે.
ગંગા વિકાસ અને અન્ય નદી વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભંડોળના ઝડપી ખર્ચને સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, મંત્રાલયે એમ પણ કહ્યું કે બેન્કો અને રાજ્ય ભંડોળમાંથી ડેટા પ્રાપ્ત કરવામાં થોડો વિલંબ થવાને કારણે કેટલાક આંકડાઓમાં થોડો તફાવત હોઈ શકે છે.