મોતની સજા પામેલા ભારતીય અધિકારીઓના પરિવારને મળ્યા એસ.જયશંકર, આપ્યું આ નિવેદન

વિદેશપ્રધાન એસ જયશંકરે આજે કતારની કોર્ટ દ્વારા મોતની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે અધિકારીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓની મુક્તિ માટે સરકાર શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત, ભારતીય નેવીના ચીફ એડમિરલ હરીકુમારે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે ભારતીય અધિકારીઓને છોડાવવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
કતારની એક અદાલતે આઠ ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. ભારતની સરકાર આ અધિકારીઓને છોડાવવા માટેના શક્ય તમામ વિકલ્પોનો વિચાર કરી રહી છે. એક મહત્વની જાણકારી એ સામે આવી છે કે કતારની અદાલતે જે ચુકાદો સંભળાવ્યો છે તેની પ્રતિ હજુ ભારતને આપવામાં આવી નથી. કતારની સરકાર દ્વારા પણ ત્યાંની કોર્ટના આ નિર્ણય પર કોઇ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી.
પરિવારો સાથેની મુલાકાત અંગેની માહિતી વિદેશપ્રધાન એસ. જયશંકરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સોશિયલ મીડિયા સાઇટ X પર તેમણે પોસ્ટ મુકી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, “આજે સવારે કતારમાં સજા પામેલા 8 ભારતીયોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. એ વાતને મહત્વની ગણાવી કે સરકાર આ કેસને ઉચ્ચતમ પ્રાધાન્ય આપી રહી છે. પરિવારોની ચિંતા અને પીડા અંગે સહાનુભૂતિ પાઠવી.
એ વાત પર જોર આપ્યું કે સરકાર તેમને છોડાવવાના શક્ય એટલા તમામ પ્રયાસો સતત ચાલુ રાખશે. એ અંગે પરિવારો સાથે સમન્વય જાળવી રખાશે.” કેટલાક મીડિયા અહેવાલોના સૂત્રો મુજબ આ મુદ્દે સરકાર વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભારતને કતારની કોર્ટે આપેલા ચુકાદાની નકલ હજુસુધી નથી મળી.
કોર્ટના ચુકાદા મામલે કતારની સરકારે પણ કોઇ ખાસ નિવેદન આપ્યું નથી. આ ઉપરાંત કેસમાં કતારની કોર્ટે ઉતાવળે કાર્યવાહી કરી હોય તેવું જણાઇ રહ્યું છે. અધિકારીઓને કયા આરોપો હેઠળ સજા ફટકારવામાં આવી છે, તે આરોપોની વિગતો પણ સાર્વજનિક કરવામાં આવી નથી. કેસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ નિર્ણયની ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ સરકાર પોતાના વિકલ્પો પર વિચાર કરશે. કૂટનીતિક કે રાજનૈતિક પદ્ધતિથી કેસનું નિરાકરણ લાવવા અંગે ભાર મુકાશે.