ભારતમાં લોકશાહી ખતરામાં? જવાબમાં એસ. જયશંકરે બતાવી ‘આંગળી પરની શાહી’

બર્લિન: ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં વિદેશ પ્રધાને ભારત અને વિશ્વમાં લોકશાહીના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે આ બેઠક દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરને લોકશાહી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે તેમના હાવભાવથી જ શાનદાર જવાબ આપી દીધો હતો. આ દરમિયાન મતદાન અધિકાર અને લોકશાહી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
એસ. જયશંકરે આપ્યો જવાબ
બેઠકમાં વિદેશ પ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં છે? જોકે વિદેશ પ્રધાન એસ જયશંકરે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ‘હું લોકશાહી અંગે આશાવાદી છું. હું હમણાં જ મારા રાજ્યમાં ચૂંટણીમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે અમારા દેશમાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાઈ હતી અને કુલ મતદારોના લગભગ બે તૃતીયાંશ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Also read: ભારતે બીજીવાર મોકલી ગાઝાને સહાય, જયશંકરે કહ્યું ‘પેલેસ્ટાઇનને મદદ કરતા રહીશું’
ઇશારાથી આપ્યો જવાબ
આ પ્રશ્નનો સચોટ જવાબ આપતા વિદેશ પ્રધાન ડૉ. જયશંકરે પોતાની આંગળી પર મતદાન સમયની શાહી બતાવી હતી. ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ‘ચૂંટણી પરિણામો અંગે કોઈ મતભેદ નથી અને મતદાન શરૂ થયા પછી હવે 20 ટકા વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે સ્વતંત્રતા પછી જ લોકશાહીનું મોડેલ અપનાવ્યું. પશ્ચિમી દેશો માને છે કે લોકશાહી તેમની ભેટ છે, પરંતુ અન્ય દેશો કરતાં ભારતીય સમાજમાં લોકશાહીના મૂળ ઊંડા છે.
લોકશાહી ખતરામાં છે હું નથી માનતો
તેમણે કહ્યું હતું કે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી દુનિયામાં લોકશાહી ખતરામાં છે, પરંતુ હું એવું માનતો નથી.’ લોકશાહી સારી રીતે કામ કરી રહી છે અને લોકશાહીએ દુનિયાને ઘણું બધું આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે લોકશાહી સામે પડકારો છે અને વિવિધ દેશોમાં પરિસ્થિતિ અલગ અલગ છે, પરંતુ ઘણા દેશોમાં લોકશાહી સારી રીતે કાર્ય કરી રહી છે.