Video: જયપુરમાં પુરપાટ વેગે દોડતી SUV કારે 3 લોકોનો જીવ લીધો, આરોપી કોંગ્રેસનો કાર્યકર્તા નીકળ્યો

જયપુર: ગત રાત્રે રાજસ્થાનના જયપુરમાં એક પૂરપાર વેગે દોડતી SUV કારે રોડ પર આતંક મચાવ્યો હતો. શહેરના નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હાઇ સ્પીડ લક્ઝરી કારે ઘણા વાહનો અને રાહદારીઓને અડફેટે (Jaipur hit and run case)લીધા હતાં. હતું. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે સાત રાહદારીઓ અને વાહન સવારો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર પુરપાટ વેગે દોડી રહી હતી. કાર ચાલકે 6 થી 7 કિલોમીટર સુધી ખુબ ઝડપે કાર ચલાવી હતી, આ દરમિયાન તેણે 4 થી 5 જગ્યાએ ટક્કર મારી. કારે વાહન પર સવાર અને રસ્તાની બાજુમાં ચાલતા 8 થી વધુ લોકોને ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતા જ નાહરગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ અકસ્માતમાં 50 વર્ષીય મમતા કંવર અને 37 વર્ષીય અવધેશ પારીકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે વીરેન્દ્ર સિંહ નામના અન્ય એક યુવકનું આજે સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
આરોપીની કોંગ્રેસ સાથે કનેક્શન:
હિટ એન્ડ રન કેસમાં પોલીસે કાર ચાલક ઉસ્માન ખાનની ધરપકડ કરી છે. આરોપી ઉસ્માન જયપુરના શાસ્ત્રી નગર સ્થિત રાણા કોલોનીનો રહેવાસી છે. ઉસ્માન જયપુરના VKI વિસ્તારમાં લોખંડના પલંગ બનાવવાની ફેક્ટરીનો માલિક છે. અહેવાલ મુજબ ઉસ્માન દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો, તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર આરોપીની ફેક્ટરીના નામે નોંધાયેલી છે.
અહેવાલ મુજબ આરોપી ઉસ્માન ખાન કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અહેવાલ મુજબ તે કાઉન્સિલરની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. આરોપી ઉસ્માને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ ભાગ લીધો હતો.
આપણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં યોજાશે વધુ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો આ વખતે શું હશે ખાસ
સ્થાનિકો રોષે ભરાયા:
અકસ્માત સમયે ગાડીની ખુબ જ વધારે સ્પીડ પર દોડી રહી હતી, જેનો અંદાજ સીસીટીવી ફૂટેજ પરથી લગાવી શકાય છે. અકસ્માત દરમિયાન કારના પાછળના ભાગમાંથી તણખા નીકળી રહ્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નાહરગઢ પોલીસ સ્ટેશનની સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં ચાલી રહ્યું છે. લોકો ટાયરો સળગાવીને વિરોધ કરી રહી છે.