રાજવી પરિવારનો 400 કરોડની જમીનના વિવાદનો કેસ સુપ્રીમ કોર્ટમાં ફરી ખૂલ્યો, ભાજપનાં નેતા છે પક્ષકાર

જયુપરઃ રાજસ્થાનના રાજવી પરિવારનો 400 કરોડની જમીનના વિવાદનો કેસ સુપ્રીમ કોર્ટમાં ફરી ખૂલ્યો છે. જેમાં ભાજપનાં નેતા પક્ષકાર છે. સુપ્રીમ કોર્ટે જયપુર ડેવલપમેંટ ઓથોરિટી અને રાજ્યના ઉપ મુખ્યપ્રધાન દીયા કુમારીના પરિવાર વચ્ચે 400 કરોડના જમીન વિવાદ સાથે જોડાયેલો કેસ ફરીથી શરૂ કર્યો છે. કોર્ટે રાજસ્થાન હાઈ કોર્ટને 14 વર્ષ જૂના આદેશને રદ્દ કર્યો હતો.
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું કે, હાઈ કોર્ટ દ્વારા ટેકનિકલ આધારે જયપુર ડેવલપમેંટ ઓથોરિટીની અપીલ પર વિચાર નહીં કરવાનું કોઈ કારણ નહોતું. કોર્ટે ચાર સપ્તાહની અંદર જયપુર ડેવલપમેંટ ઓથોરિટીની પ્રથમ અપીલ પર મેરિટના આધારે નિર્ણય કરવા અને એક કંપ્લાયંસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું.
આ વિવાદ એ જમીન સાથે જોડાયેલો છે. જે સત્તાવાર રેકોર્ડમાં ‘હથરોઈ ગામ’ તરીકે ઓળખાતું હતું, બાદમાં આ ગામ સેન્ટ્રલ જયપુરના શહેરી વિસ્તારનો ભાગ બન્યું હતું. જેમાં પ્રાઇમ રિયલ એસ્ટેટ, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેના મહેસૂલ રેકોર્ડમાં ખેતી લાયક ન હોય તેવી સરકારી જમીન તરીકે નોંધાયેલા આ જમીનના ટુકડાની કિંમત 400 કરોડ રૂપિયા અંદાજી છે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક વહીવટીતંત્રે 1990ના દાયકામાં આ જમીન પર કબજો કરી લીધો હતો, અને પૂર્વ રાજવી પરિવારના એ દાવાને પડકાર્યો હતો કે તેને 1949ના એ કરાર હેઠળ ખાનગી મિલકત તરીકે નોંધવામાં આવી હતી જે જયપુરના ભારતીય સંઘમાં વિલીનીકરણ સાથે જોડાયેલો હતો.
ઓથોરિટીનું કહેવું છે કે આ જમીનને ક્યારેય કરારની યાદીમાં પૂર્વ રાજવી પરિવારની ખાનગી મિલકત તરીકે લિસ્ટ કરવામાં આવી ન હતી, જ્યારે 1993 અને 1995 વચ્ચે વળતર આપીને જમીનનો મોટો હિસ્સો કાયદેસર રીતે સંપાદિત કરી લેવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2005માં, રાજવી પરિવાર તરફથી માલિકી હકની જાહેરાત અંગે એક દીવાની દાવો દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ 6 વર્ષ પછી 24 નવેમ્બર, 2011 ના રોજ, ટ્રાયલ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમને માલિક જાહેર કર્યા હતા. કોર્ટે રાજ્યની તરફેણની મહેસૂલી નોંધો રદ કરી દીધી અને ઓથોરિટીને કબજામાં દખલ કરતા અટકાવી દીધી હતી.
આની સામે ઓથોરિટીએ પછીના વર્ષે 2012માં પોતાની પ્રથમ અપીલ દાખલ કરી હતી. પરંતુ નવેમ્બર 2023 માં તેને ફગાવી દેવામાં આવી હતી, જોકે એક વર્ષ પછી તેને ફરીથી અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે 15 સપ્ટેમ્બરે રાજસ્થાન હાઈ કોર્ટે આ જમીન વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને અપીલની તપાસ વિના જ યથાવત રાખ્યો હતો.
ચુકાદાને લઈને જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, અને તેમની તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પબ્લિક ટાઇટલ, સંપાદન પૂર્ણ થવા, મહેસૂલ રેકોર્ડના સેટલમેન્ટ અને આર્ટિકલ 363 હેઠળની બંધારણીય રોક સાથે જોડાયેલા મુદ્દાઓ હોવા છતાં ટેકનિકલ આધારો પર સરકારી જમીન જતી રહી હતી. હવે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે આ કેસ ફરીથી ખુલવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ઉમર ખાલિદ અને શરજીલને કોઈ રાહત નહિ, અન્ય 5 આરોપીઓને જામીન



