જયપુર-મુંબઈ ટ્રેન હત્યાકાંડ: ‘મામાજી… બ્રેકિંગ ન્યૂઝ જુઓ ‘, ચાર લોકોની હત્યા બાદ ચેતન સિંહનો પહેલો ફોન
ગત 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાર નિર્દોષ લોકોની ગોળી મારીને હત્યા કર્યા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં તેમના મામાને ફોન કરીને ટીવી ન્યૂઝ ચેનલો પર પોતાના વિશેના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે કહ્યું હતું. આ માહિતી ચાર્જશીટમાં બહાર આવી છે. ચેતનસિંહે તેના મામા વાસુદેવસિંહ સોલંકીને સવારે 4.30 વાગ્યે ફોન કર્યો હતો. 1,029 પાનાની ચાર્જશીટમાં આ ખુલાસો થયો છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચેતન સિંહ ચૌધરીના તેના મામા સાથે સારા સંબંધો હતા. 31 જુલાઈએ પોતાના વરિષ્ઠ અધિકારી અને ત્રણ મુસ્લિમ મુસાફરોને ગોળી મારતા પહેલા પણ ચેતન સિંહે તેના મામાને ફોન કર્યો હતો. વાસુદેવ સિંહની પત્નીએ ફોન ઉપાડ્યો અને મામા સૂતા હોવાનું જણાવ્યું હતું.
હત્યા નિપજાવ્યા બાદ સવારે 6.10 વાગ્યે ચેતનસિંહે તેના મામાને બીજી વખત ફોન કર્યો હતો. આ વખતે વાસુદેવ સિંહે ફોન ઉપાડ્યો ત્યારે ચેતને રાઈફલથી તેના ઉપરી અધિકારી અને ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી હોવાનું જણાવ્યું, આ સાંભળી તેના મામા ચોંકી ઉઠ્યા હતા. ચેતનસિંહે મામાને ટેલિવિઝન ચાલુ કરીને ‘બ્રેકિંગ ન્યૂઝ’ જોવા કહ્યું.
ચેતનસિંહે આગળ શું કરવું જોઈએ અંગે મામા પાસે માર્ગદર્શન માંગ્યું. તેના મામા તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું. ત્યારબાદ વાસુદેવ સોલંકીએ ટીવી ચાલુ કરીને ચેતનસિંહના સમાચાર જોયા અને પછી તેની ખાતરી કરવા ચૌધરીની પત્નીને ફોન કર્યો.
ચેતન સિંહ ચૌધરીએ તેની પત્ની પ્રિયંકા ચૌધરીને પણ ફોન કર્યો હતો. તેણે ફોન કહ્યું હતું કે તેણે ત્રણ મુસાફરો અને તેના વરિષ્ઠ અધિકારીને ગોળી મારી હતી.