
રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર મંગળવારની મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, હાઈવે પર એક એલપીજી સિલિન્ડરોથી ભરેલા ટ્રકમાં આગ લાગી અને વિસ્ફોટ થયો હતો. આ ઘટના એવી હતી કે આગની લપટો અને વિસ્ફોટોની અવાજો કિલોમીટરો સુધી દેખાઈ અને સંભળાયા. આ અકસ્માતથી આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું, ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં સદ્ભાગ્યે કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી.
સૂત્રોની જાણકારી પ્રમાણે જયપુરથી અજમેર જતા હાઇવે પર દુદુ નજીક મોજમાબાદ વિસ્તારમાં સાવરદા પુલિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. એલપીજી સિલિન્ડરોથી ભરેલા ટ્રકને પાછળથી બીજા ટ્રકે ટક્કર મારી, જેના કારણે આગ લાગી હતી. સિલિન્ડરોમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા. આગથી ઘણા અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું, અને હાઇવે પર ટ્રાફિકને ઘટનાસ્થળથી એક કિલોમીટર પહેલા જ અટકાવી દેવામાં આવ્યો.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માના આદેશ પર ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે અકસ્માતગ્રસ્ત ટ્રકના ડ્રાઇવર અને હેલ્પર વિશે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અન્ય કોઈને ઈજા થઈ હોય તેવા સમાચાર નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તરત જ આગ પર કાબુ મેળવ્યો, અને જિલ્લા વહીવટને ઘાયલોની સારવાર અને પીડિતોને મદદ પહોંચાડવાના આદેશ આપવામાં આવ્યા.
એસએમએસ હોસ્પિટલને અલર્ટ કરી દેવામાં આવી છે, અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ માટે તમામ વ્યવસ્થા કરી લેવાઈ છે. ચીફ મેડિકલ ઓફિસર રવિ શેખાવતે જણાવ્યું કે અત્યાર સુધી કોઈ ઘાયલને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા નથી, પરંતુ એક વ્યક્તિને દુદુની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ જ હાઇવે પર ભાંકરોટા નજીક આ પ્રકારના જ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા.