
જયપુર: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા, ઈન્ડિગો સહિત અન્ય ફ્લાઈટના ટેક્નિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઇમરજન્સી લેન્ડિંગના ઘટનાક્રમમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આજે જયપુર ખાતે એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, પરિણામે હોનારત ટળી હતી.
ટેક-ઓફ બાદ વિમાનમાં સર્જાઈ ખામી
દિલ્હી એરપોર્ટ ખાતેથી એર ઈન્ડિયાનું AI-612 નામનું વિમાન મુંબઈ જવા માટે રવાના થયું હતું. આ વિમાને જયપુર એરપોર્ટ ખાતે રોકાયું હતું. જયપુર એરપોર્ટ પરથી આ વિમાને બપોરના 1.58 વાગ્યે મુંબઈ જવા માટે ટેક-ઓફ કર્યું હતું. જોકે તેના ટેક-ઓફનો સમય 1.35 વાગ્યાનો હતો. ટેક-ઓફ કર્યાના થોડા સમય બાદ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. પાઇલટને આ અંગે જાણ થતા તેણે તરત જ વિમાનને પાછું એરપોર્ટ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
વિમાનના તમામ યાત્રીઓ સલામત
વિમાનના પાઇલટે જયપુર એરપોર્ટ ખાતે એટીસી પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી હતી. આજે 2.16 વાગ્યે વિમાનને જયપુર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનના યાત્રીઓને કોઈ નુકસાન થયું હતું. જોકે, હાલ વિમાનની ટેક્નિકલ તપાસ ચાલી રહી છે.
દોઢ મહિનામાં અનેક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
બુધવારે પણ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઓફ કરી શકી નહોતી. આ સિવાય છેલ્લા દોઢથી વધુ મહિનામાં અનેક વિમાનને ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
21 જુલાઈ સુધી 183 વિમાનોમાં જોવા મળી ખામી
ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રમાં નાગરિક વિમાન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, આ વર્ષે 21 જુલાઈ સુધીમાં દેશની પાંચ એર લાઈન્સ કંપનીએ પોતાના વિમાનોમાં 183 ટેક્નિકલ ખામી શોધી છે અને આ અંગે ડીસીજીએને માહિતી આપી છે. જે પૈકી એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની કુલ મળીને 85, ઈન્ડિગોની 62 અને અકાસાની 28 તથા સ્પાઈસજેટની 8 ખામીઓ મળી આવી હતી.