
જયપુર : રાજસ્થાનના જયપુરમા વર્ષ 2008મા થયેલા બ્લાસ્ટના એક કેસમા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 17 વર્ષ પૂર્વે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો દરમિયાન મળેલા જીવંત બોમ્બના કેસમાં કોર્ટે બે દિવસ પહેલા ચાર આરોપીને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે આ કેસમા 600 પાનાનો ચુકાદો આપ્યો છે. જ્યારે આ કેસમાં સરકારે 112 પુરાવા, 1192 દસ્તાવેજો, 102 આર્ટીકલ અને 125 પાનાની લેખિત દલીલ રજૂ કરી હતી.
2008માં થયા હતા શ્રેણીબદ્ધ વિસ્ફોટ

રાજસ્થાન પોલીસે ચુકાદો જાહેર થાય તે પૂર્વે સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરને છાવણીમાં રૂપાંતરિત કરી દીધું હતું. 13 મે 2008 ના રોજ જયપુરમાં 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. જ્યારે નવમો બોમ્બ ચાંદપોલ બજારના ગેસ્ટ હાઉસ પાસે મળી આવ્યો હતો. જેને વિસ્ફોટના માત્ર 15 મિનિટ પહેલા જ ડિફયુઝ કરવામા આવ્યો હતો. આ કેસમાં કોર્ટે સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફુરરહમાન, શાહબાઝને દોષિત ઠેરવ્યા અને આજે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
મૃત્યુદંડની સજા ફટકારી હતી
આ પૂર્વે ડિસેમ્બર 2019 માં નીચલી કોર્ટે જયપુર વિસ્ફોટ કેસમાં સરવર આઝમી, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સલમાન અને સૈફુરરહમાનને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જ્યારે પાંચમા આરોપી શાહબાઝને શંકાના લાભમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. સજા પામેલા ચારેય આરોપીઓએ હાઇકોર્ટમાં સજાને પડકારી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 29 માર્ચ 2023 ના રોજ ચારેયને નિર્દોષ જાહેર કર્યા અને શાહબાઝ હુસૈનને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પણ સમર્થન આપ્યું હતું.
બોમ્બ વિસ્ફોટોમાં 71 લોકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો 13 મે 2008ના રોજ જયપુરના ચાંદપોલમાં મળેલા બોમ્બ સાથે સંબંધિત છે. સુરક્ષા ટુકડીઓ દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ દિવસે જયપુર શહેરમાં શ્રેણીબદ્ધ કુલ આઠ બોમ્બ વિસ્ફોટ થયા. તેની બાદ ચાંદપોલ બજાર પાસે નવમો બોમ્બ મળી આવ્યો હતો જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો. જયપુરના માનક ચોક ખાંડા, ચાંદપોલ ગેટ, મોટી ચૌપડ, છોટી ચૌપડ, ત્રિપોલિયા ગેટ, જોહરી બજાર અને સાંગાનેરી ગેટ પર એક પછી એક બોમ્બ વિસ્ફોટ થયા. આ બોમ્બ વિસ્ફોટોમાં 71 લોકો માર્યા ગયા હતા અને 180 લોકો ઘાયલ થયા હતા.
આપણ વાંચો : જયપુર બ્લાસ્ટમાં મોતની સંખ્યા 14 થઈઃ ભયાવહ દૃશ્યોએ જોનારાને કંપાવી નાખ્યા