Cash for query case: CBIએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરાયને સમન્સ પાઠવ્યા

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંદર્ભમાં CBIએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાયને સમન્સ પાઠવ્યું છે. સીબીઆઈએ તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂર્વ સાંસદ સભ્ય મહુઆ મોઇત્રાને સંસદમાં પ્રશ્નો પૂછવા બદલ નાણા લેવાના આરોપસર લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહુઆ મોઇત્રા પર સંસદમાં સરકાર સામે પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી 2 કરોડ રૂપિયા રોકડા અને “લક્ઝરી ગિફ્ટ્સ” સહિતની લાંચ લેવાનો આરોપ છે. સાંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાના કામને “ખૂબ જ વાંધાજનક, અનૈતિક અને ગુનાહિત” ગણાવ્યું હતું અને તેનું લોકસભા સભ્ય પદ રદ કરવાનું સૂચન કર્યું હતું.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. વકીલ જય અનંત દેહાદરાયના પત્રને પગલે મહુઆ મોઇત્રા સામે ફરિયાદ કરવામાં આવી હતી. પત્રના આધારે નિશિકાંત દુબેએ આ બાબતની ફરિયાદ લોકસભાના અધ્યક્ષને કરી હતી અને સ્પીકરે તેને એથિક્સ કમિટીને મોકલી આપી હતી.
અહેવાલ મુજબ વકીલ અનંત દેહદરાયએ ઓક્ટોબરમાં લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ મહુઆ મોઇત્રા વિરુદ્ધ તમામ પુરાવા રજૂ કર્યા હતા.