
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયાના પહેલા દિવસની સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે ખરાબ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમના રાજીનામાને લઈને વિપક્ષી નેતાઓએ અનેક પ્રકારની અટકળો વહેતી કરી છે, જેમાં વિપક્ષે દાવો કર્યો છે કે જગદીપ ધનખડ એક મોટો નિર્ણય લેવાના હતા તો એ બાબત કઈ હતી એના અંગેની વાત કરીએ.
મહાભિયોગની નોટિસની તપાસ
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિપક્ષે દાવો કર્યો છે કે, જગદીપ ધનખડે સ્વેચ્છાએ નહી, પરંતુ તેઓ પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે. જેની પાછળ બે મહાભિયોગની નોટિસ જવાબદાર છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે બપોરે 2.20 વાગ્યે કૉંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશ જગદીપ ધનખડના કાર્યાલય ખાતે ગયા હતા અને તેમના અંગત સચિવને મહાભિયોગ પર 63 વિપક્ષના સાંસદની નોટિસ આપી હતી.

રાજ્યસભાની બપોર બાદની બેઠકમાં 4.07 વાગ્યે જગદીપ ધનખડે ન્યાયાધીશ યશવંત વર્મા વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા વિશે ગૃહમાં વિપક્ષ દ્વારા આપવામાં આવેલી નોટિસની જાણ કરી હતી. આ સિવાય તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા મને ન્યાયધીશ શેખર યાદવ વિરૂદ્ધ પણ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટેની નોટિસ મળી છે, જેની મેં તપાસ કરી છે. આ નોટિસમાં વિપક્ષના કોઈ સાંસદે તેના પર બે વાર હસ્તાક્ષર કરી છે. તમામ સહીની ચકાસણી કરવાની પ્રક્રિયા જેવી પૂરી થઈ જશે, એટલે હું ગૃહને સૂચના આપી દઈશ.
મંગળવારે થવાની હતી મહત્ત્વની જાહેરાત
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સાંજે 5 વાગ્યે પોતાના કાર્યાલયમાં વિપક્ષના એક સભ્યને કહ્યું હતું કે તેમણે ન્યાયધીશ શેખર યાદવના મહાભિયોગની નોટિસ પર વિપક્ષના 51 સાંસદોની સહીની ચકાસણી કરી છે અને નોટિસ સ્વીકારવામાં આવી છે. આ અંગે તેઓ મંગળવારે ગૃહમાં જાહેરાત કરશે. સાંજે 7.30 વાગ્યે જયરામ રમેશે જગદીપ ધનખડને ફોન કર્યો હતો. ત્યારે જગદીપ ધનખડે કહ્યું હતું કે, હાલ તેઓ પરિવાર સાથે છે અને સ્વાસ્થ્ય મુદ્દાને લઈને વાતચીત કરી રહ્યા છે. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યે તેમના રાજીનામાની વાત સામે આવી હતી. આમ, જગદીપ ધનખડ મંગળવારે ન્યાયધીશોના મહાભિયોગની નોટિસ અંગે જાહેરાત કરવાના હતા, તેથી તેમની પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે, એવી વિપક્ષમાં અટકળો વહેતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 4.30 વાગ્યે મળેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં રાજ્યસભાના ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્યના પ્રધાન કિરણ રિજજુ કોઈ કારણોસર હાજર રહી શક્યા નહોતા. એવું ભાજપના સાંસદ એલ મુરૂગન પાસેથી જાણવા મળ્યું હતું. જગદીપ ધનખડ આ વાતથી નારાજ હતા, એવું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…Salman Khan સાથે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું કનેક્શન, શું તમે જાણો છો?