
નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2025 છે. આ બીજો વખત છે જ્યારે ITR ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે.
અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને કરદાતાઓ ITR પોર્ટલ પર સર્વર, ટાઈમ આઉટ, તકનીકી ખામી સહિતની અનેક સમસ્યાઓ અંગે સતત ફરિયાદ કરી રહ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને, ITR ફાઈલ કરવાની અંતિમ તારીખને એક દિવસ માટે લંબાવવામાં આવી છે. સરકારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.

આવકવેરા વિભાગે X પર શું લખ્યું?
આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “એસેસમેન્ટ યર 2025-26 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ મૂળરૂપે 31 જુલાઈ 2025 હતી, જેને વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
હવે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ) એ એસેસમેન્ટ યર 2025-26 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી વધારીને 16 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લીધો છે.” વિભાગે એ પણ જણાવ્યું હતું કે 15 અને 16 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ITR પોર્ટલ પર જાળવણી (maintenance)નું કામ ચાલી રહ્યું હતું.
આ તારીખ શા માટે લંબાવવામાં આવી?
આવકવેરા ફોર્મ બહાર પાડવામાં વિલંબને કારણે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ એકવાર લંબાવવી પડી હતી. અગાઉ, એસેસમેન્ટ યર 2025-26 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી, જેને વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે વિભાગે આ તારીખ લંબાવી છે.
આ પણ વાંચો…ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…