નેશનલ

એરપોર્ટ પર આ શબ્દ બોલવો ભારે પડ્યો મુસાફરને, પોલીસે ફાઈલ કર્યો કેસ…

આપણે હંમેશા આપણા વડીલોને એવું કહેતાં સાંભળ્યા છે કે અતિ ક્રોધ એ વિનાશનું કારણ છે… કે પછી વધુ પડતો ગુસ્સો આપણને નુકસાન પહોંચાડે છે. ગુસ્સામાં આપણે ઘણી વખત એવું કંઈક કરી બેસીએ છીએ કે પછી કંઈક એવું બોલી બેસીએ છીએ જે આપણે વિચાર્યું પણ નહીં હોય. આવું જ કંઈક કોચી એરપોર્ટ પર એક મુસાફર સાથે બન્યું હતું. એક મુસાફર એરપોર્ટ પર થનારી ચેકિંગથી એટલો બધો ગુસ્સે ભરાયો કે તેણે ગુસ્સામાં કંઈક એવું કહી દીધું કે જેને કારણે તેની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો.

ઘટના કેરળની છે અને અહીં લગેજ ચેકિંગ વખતે કથિત રીતે બોમ્બ શબ્દનો ઉપયોગ કરવાનું એક મુસાફરને ભારે પડ્યું હતું. પોલીસે આ મુસાફર સામે કેસ નોંધ્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે આ મુસાફર કેરળના અલપ્પુઝા જિલ્લાનો રહેવાસી છે અને દુબઈ જઈ રહ્યો હતો.

મંગળવારે આ વ્યક્તિ દુબઈ જવા માટે કોચિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોચી હતી. આ દરમિયાન સામાન ચેકિંગ કરતી વખતે એરપોર્ટ પર રહેલાં કર્મચારી સાથે પ્રવાસીની ચડભડ થઈ ગઈ હતી અને આ ચડભડ એટલી વધી ગઈ હતી કે ગુસ્સામાં આવી ગયેલાં પ્રવાસીએ એવું કહ્યું હતું કે શું મારી બેગમાં બોમ્બ છે?

એરપોર્ટ પરના કર્મચારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં મુસાફરી કરતી વખતે પેસેન્જરને એક નિર્ધારિત વજન સુધીનો સામાન લઈને જ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે છે અને આ પ્રવાસીના સામાનનું વજન વધારે હતું. એટલે એના સામાનને વારંવાર ચેક કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન આ પ્રવાસીએ કર્મચારીઓ સાથે જીભાજોડી કરવાનું શરૂ કર્યું હતું.

આ ઘટનાની જાણ એરપોર્ટ પરના કર્મચારીઓએ પોલીસને આપી હતી અને ત્યાર બાદ પોલીસે સંબંધિત પ્રવાસી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button