વર્ષ 2026ના ISROના પ્રથમ મિશન કાઉન્ટડાઉન શરૂ! જાણો ક્યારે PSLV- C62 ભરશે ઉડાન…

બેંગલુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ વર્ષ 2026ના તેના પહેલા સેટેલાઈટ લોન્ચ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે રવિવારે રોકેટ લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું, PSLV C-62 આવતી કાલે સોમવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી 10.18 વાગ્યે ઉડાન ભરાશે.
PSLV-C6 મિશનના લોન્ચ માટે 22.5 કલાકનું કાઉન્ટડાઉન શરુ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ISROના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરવામાં આવશે.
અહેવાલ મુજબ PSLV-C62, ભારતના 7 અને અન્ય દેશોના 8 મળીને 15 ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં તરતા મુકશે, જેમાં ભારતના EOS-N1 અન્વેષા ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. EOS-N1 અન્વેષા, એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા વિકસાવવામાં આવેલો હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ છે, જે વ્યૂહાત્મક હેતુઓ માટે મહત્વનો છે.

PSLV-C62 દ્વારા હૈદરાબાદના શાળાના 17 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ક્યુબસેટ ઉપગ્રહને પણ અવકાશમાં સ્થપિત કરવામાં આવશે.
PSLV-C62/EOS-N1 મિશન પહેલા થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમના ઓબ્ઝર્વેશન સેટેલાઈટને તરતા મુકશએ. ત્યાર બાદ અન્ય સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મુકશે.
આ મિશન ISRO ની વાણિજ્યિક શાખા ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
PSLV રોકેટે અત્યાર સુધીમાં કુલ 63 ફ્લાઇટ્સ પૂર્ણ કરી છે, જેમાંથી ચંદ્રયાન-1, માર્સ ઓર્બિટર મિશન (MOM) અને આદિત્ય-L1 મિશન જાણીતા છે.



