ઈસરોની વધુ એક યશકલગી: યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ
નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે યુરોપિયન સ્પેસ એજન્સીના (European Space Agency) પ્રોબા-3 મિશનને (Proba-3 mission) લોન્ચ કર્યું છે.
આ મિશન કોરોના, સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આ મિશનમાં એક સાથે બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પ્રક્ષેપણ ઈસરોના PSLV-C59 રોકેટથી કરવામાં આવ્યું હતું. આ ISROનું 61મું PSLV મિશન છે.
આપણ વાંચો: ISRO ના Proba-3 મિશનનું લોન્ચિંગ મોકૂફ રખાયું, જાણો સમગ્ર મિશન અંગે
ISROએ ઈતિહાસ રચ્યો
ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર X પર પોસ્ટ કરી કે PSLV-C59એ અવકાશ તરફ ઉડાન ભરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સીના અત્યાધુનિક PROBA-3 ઉપગ્રહોને અવકાશમાં મૂકવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે, જેનું નેતૃત્વ ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા કરવામાં આવે છે અને ISROની અગ્રણી ટેકનોલોજી દ્વારા સમર્થિત છે. તે આંતરરાષ્ટ્રીય સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે અને ભારતની વધતી જતી અવકાશ ક્ષમતાઓને દર્શાવે છે.
20 કરોડ યુરોનો ખર્ચ
પ્રોબા-3 યુરોપિયન સ્પેસ એજન્સી (ESO)ની પ્રોબા શ્રેણીનું ત્રીજું સૌર મિશન છે. ખાસ વાત એ છે કે પ્રોબા સીરિઝનું પહેલું મિશન પણ 2001માં ઈસરોએ લોન્ચ કર્યું હતું. પ્રોબા-3 મિશન માટે સ્પેન, બેલ્જિયમ, પોલેન્ડ, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમોએ કામ કર્યું છે. આના પર લગભગ 20 કરોડ યુરો એટલે કે લગભગ 1,778 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
શું છે પ્રોબા-3 મિશન
પ્રોબા-3 મિશન સૂર્યના બાહ્ય વાતાવરણ કોરોનાના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવ્યું છે. કોરોના અવકાશ હવામાનનો સ્ત્રોત પણ છે, જે તેને વૈજ્ઞાનિકો માટે વિશેષ રસનો વિષય છે. પ્રોબા-3 મિશનમાં બે ઉપગ્રહ છે.
આપણ વાંચો: ISRO ચીફ સોમનાથે ‘Gaganyaan’ મિશનને લઈને આપ્યા મોટા સમાચાર
આ બંને ઉપગ્રહો સાથે મળીને એક અનોખો પ્રયોગ કરશે. ઓકલ્ટ સેટેલાઇટ સૂર્યની ડિસ્કને આવરી લેશે, જેનાથી કોરોનાગ્રાફ ઉપગ્રહ સૂર્યના કોરોનાનું સ્પષ્ટપણે નિરીક્ષણ કરી શકશે. આ ટેક્નોલોજી સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવામાં મદદ કરશે.