ઈસરો દરરોજ 100 થી વધુ સાયબર એટેકનો સામનો કરી રહ્યું છે: ઈસરો પ્રમુખ એસ સોમનાથ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે એક કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100થી વધુ સાઈબર એટેકનો સામનો કરી રહી છે. કોચી, કેરળમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સ સી0સી0એનની 16મી આવૃત્તિના સમાપન સત્રમાં બોલતા એસ સોમનાથે જણાવ્યું હતું કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની સંભાવના ઘણી વધારે છે.
તેમણે કહ્યું કે ઈસરો આવા હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સનું ખાસ આયોજન કેરળ પોલીસ અને ઇન્ફોર્મેશન સિક્યુરિટી રીસર્ચ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈસરોના વડાએ વધુમાં કહ્યું કે સોફ્ટવેર ઉપરાંત ઈસરો રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પરીક્ષણો પર પણ આગળ વધી રહ્યું છે. એક ઉપગ્રહ પર દેખરેખ રાખવાની ટેકનોલોજીને એક સાથે અનેક ઉપગ્રહોની દેખરેખ રાખવાના સોફ્ટવેરની ટેકનોલોજીથી બદલવામાં આવી છે. જે આ સેક્ટરમાં વિકાસને દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી પાસે વિવિધ પ્રકારના ઉપગ્રહો છે. એવા ઉપગ્રહો પણ છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં મદદ કરે છે. આ તમામ વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. આ બધાની સુરક્ષા માટે સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એસ સોમનાથે કહ્યું કે અદ્યતન ટેકનોલોજી એક વરદાન છે અને સાથે સાથે ખતરો પણ છે.તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે સાયબર ગુનેગારો દ્વારા ઉભા થતા પડકારોનો સામનો કરી શકીએ છીએ. આ દિશામાં સંશોધન અને મહેનત થવી જોઈએ.