નેશનલ

રાત્રિના અંધકારમાં પણ બાજ નજર: ઈસરોનું નવું ઉપગ્રહ દેશની સુરક્ષામાં કરશે મદદ

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આવતીકાલે 18મી મેના રોજ ફરી એકવાર પોતાની તકનીકી ક્ષમતાનું પ્રદર્શન કરતાં EOS-09 (RISAT-1B) ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવા જઈ રહ્યું છે. આ પ્રક્ષેપણ સવારે 5:59 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોના વિશ્વસનીય પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી61) દ્વારા થશે.

ઈસરોનું આ 101મું મોટું રોકેટ લોન્ચિંગ છે અને તેની સાથે જ ભારતની રાત્રિના સમયે અને દરેક મોસમમાં દેખરેખ કરવાની ક્ષમતામાં એક મહત્વપૂર્ણ વધારો થશે. 1,696 કિલોગ્રામ વજન ધરાવતો EOS-09 ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી લગભગ 500 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

આપણ વાંચો: ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન

રાત્રિના અંધકારમાં પણ તસવીરો લેવા માટે સક્ષમ
આ સ્વદેશી રીતે વિકસિત “જાસૂસી ઉપગ્રહ” C-બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ટેકનોલોજીથી સજ્જ છે, જે વાદળો અને રાત્રિના અંધકારમાં પણ ઉચ્ચ-રિઝોલ્યુશન તસવીરો લેવા માટે સક્ષમ છે.

બેંગલુરુના યુ આર રાવ સેટેલાઇટ સેન્ટરમાં નિર્મિત આ ઉપગ્રહ ભારતનાં પહેલાંથી જ અંતરિક્ષમાં રહેલા 50થી વધુ ઉપગ્રહોના કાફલામાં સામેલ થશે. આમાંથી સાત રડાર ઉપગ્રહો વિશેષ રૂપે સરહદી વિસ્તારોની દેખરેખમાં સક્રિય છે.

આપણ વાંચો: ISRO @100 : શું મિશન પડતું મૂકવું પડશે, જાણો શું કહ્યું સંસ્થાએ

10 ઉપગ્રહો ચોવીસ કલાક દેશની સુરક્ષામાં લાગેલા
EOS-09 ભારતની તે નબળાઈને દૂર કરશે, જ્યાં પહેલાંનો મુખ્ય ઇમેજિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 રાત્રે તસવીરો લઈ શકતો નહોતો. આ નવા ઉપગ્રહથી મળનારી તસવીરો વધુ સ્પષ્ટ અને સચોટ હશે, જે સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

ઈસરોના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને કહ્યું હતું કે 10 ઉપગ્રહો ચોવીસ કલાક દેશની સુરક્ષામાં લાગેલા છે અને ભારતને પોતાની લાંબી દરિયાઈ સરહદ અને ઉત્તરીય ક્ષેત્રની દેખરેખ માટે આવી ટેકનોલોજીની જરૂર છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ લોન્ચને ભારતની અંતરિક્ષ મહત્વાકાંક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button