ઇતિહાસ રચાશે: ભારત ચંદ્ર પર માનવને મોકલશે, ISROના અધ્યક્ષે મહત્ત્વની જાહેરાત કરી

નવી દિલ્હી/રાંચી: ભારતનો અંતરિક્ષમાં ડંકો વગાડવાના સપના સાથે વિક્રમ સારાભાઈએ 56 વર્ષ પહેલા ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ની સ્થાપના કરી હતી. હવે તેમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. છેલ્લા 56 વર્ષમાં ISROએ અનેક અવકાશ કાર્યક્રમોમાં સફળતા મેળવી છે. ત્યારે હવે ISROના 11માં અધ્યક્ષ વી. નારાયણે ISROના આગામી અવકાશ કાર્યક્રમોની જાહેરાત કરી છે. એક કાર્યક્રમમાં વી. નારાયણે ISROના 2035 સુધીના કાર્યક્રમોની રૂપરેખા જણાવી છે.
ISROનો 2040 સુધીનો રોડમેપ
આજે રાંચી ખાતેની બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (BIT) મેસરામાં 35મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ISROના અધ્યક્ષ વી. નારાયણ હાજર રહ્યા હતા. તેમણે દીક્ષાંત સમારોહને સંબોધતા ISROના આગામી અવકાશ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
વી. નારાયણે જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન, ગગનયાન મિશન, 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્ણ થશે. આ મિશન પહેલા ત્રણ માનવરહિત મિશન હશે. પહેલું મિશન, જેમાં અર્ધ-માનવ-રોબોટ વ્યોમમિત્ર અવકાશમાં લોન્ચ થશે. આ પછી બે વધુ માનવરહિત મિશન થશે. ભારત 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS) પૂર્ણ કરશે.
તેનું લોન્ચ મોડ્યુલ 2027 સુધીમાં અવકાશમાં તૈનાત થાય તેવી સંભાવના છે. ISROના અધ્યક્ષે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતનો સૌથી મોટો લક્ષ્યાંક 2040 સુધીમાં દેશના નાગરિકોને ચંદ્ર પર ઉતારવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું છે.
આપણ વાંચો: અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે! રાષ્ટ્રીય સ્પેસ દિવસ પર પીએમ મોદીનું દેશને સંબોધન
80,000 કિલો સુધીની ક્ષમતા વધારવામાં આવશે
વી. નારાયણે ISROની સિદ્ધિઓ વિશે જણાવ્યું કે IN-SPACEએ ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને જોડીને અવકાશ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. પહેલાં થોડાક જ સ્ટાર્ટઅપ્સ હતા, જ્યારે આજે 300થી વધુ સ્ટાર્ટઅપ્સ અવકાશ ડેટા વિશ્લેષણ, ઉપગ્રહ વિકાસ અને પ્રક્ષેપણ સેવાઓ પર કામ કરી રહ્યા છે.
AI, રોબોટિક્સ અને બિગ ડેટા અવકાશ મિશનનું ભવિષ્ય છે. ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણી શોધ્યું હતું, અને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પ્રથમ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ભારત અવકાશ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકે છે, પરંતુ જળવાયુ વિજ્ઞાન અને અવકાશ સંશોધનો જેવા વૈશ્વિક મુદ્દાઓ અંગે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે પણ તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ISRO દ્વારા ચંદ્રયાન-4, ચંદ્રયાન-5, એક નવું મંગળ મિશન અને શુક્ર ઓર્બિટર મિશન (શુક્રનો અભ્યાસ કરવા માટે)ને મંજૂરી આપવામાં આવી છે. અવકાશ વેધશાળા XOM પર કામગીરી ચાલી રહી છે. આદિત્ય-L1, SPADEX મિશનથી ભારતની સિદ્ધિમાં વધારો થયો છે. આ સિવાય ભારત શ્રીહરિકોટા ખાતે રૂ. 4,000 કરોડના ખર્ચે 80,000 કિલો સુધીની ક્ષમતા ધરાવતું લોન્ચિંગ પેડ વિકસાવી રહ્યું છે.