નેશનલ

ત્રાસવાદી સંગઠન હમાસના હુમલા પછી ઈઝરાયલની યુદ્ધની જાહેરાત

તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે મોટા પાયે યુદ્ધ ચાલી રહ્યું છે. પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’એ ઇઝરાયલ પર અંદાજે પાંચ હજાર રોકેટ છોડ્યાં હતાં અને તેને લીધે ઓછામાં ઓછા ૪૦ જણ મૃત્યુ પામ્યાં હતાં અને આશરે ૭૪૦ જણ ઘાયલ થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મરણાંક ઘણો વધવાની ભીતિ છે. ઇઝરાયલે જવાબમાં ગાઝા પટ્ટી પર પણ અનેક રોકેટ છોડ્યાં હતાં. દરમિયાન, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું હતું. ઇઝરાયલના લશ્કરે પેલેસ્ટાઇનની સામે ‘ઑપરેશન આયર્ન સ્વૉર્ડ’ શરૂ કર્યું છે. પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદના અનેક નેતાને મારવા મોટા પાયે હુમલા શરૂ કરાયા હતા. પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલ દ્વારા કરાયેલા વળતા હુમલામાં અસંખ્ય સામાન્ય નાગરિક પણ માર્યા ગયા હતા.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ટેલિવિઝન પર રાષ્ટ્રજોગા પ્રવચનમાં લશ્કરને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો હતો. દુશ્મનોએ ઇઝરાયલ પરના આ હુમલાના ગંભીર પરિણામ ભોગવવા પડશે. હવે માત્ર યુદ્ધ જ થશે. શત્રુઓ પર તેઓની કલ્પનાની બહાર હોય એવા મોટા હુમલા કરાશે.

હમાસના ત્રાસવાદીઓએ ગાઝા પટ્ટીના વિસ્તારમાંથી ઇઝરાયલ પર હવાઇ, ભૂમિ અને જળમાર્ગે હુમલા શરૂ કર્યા હતા.

હમાસે પોતાના દ્વારા પકડાયેલા ત્રણ માણસ દર્શાવતી વીડિયો ક્લિપ બહાર પાડી હતી અને પકડાયેલા આ લોકોને દુશ્મન ગણાવ્યા હતા. હમાસે આ ઉપરાંત ઇઝરાયલના અન્ય અનેક લોકોને પકડ્યા હોવાનો દાવો કરાય છે અને તેઓના જાન હવે જોખમમાં છે.

દક્ષિણ ઇઝરાયલના શહેર બિર્શેબાની હૉસ્પિટલમાં સેંકડો ઘાયલ લોકો સારવાર લઇ રહ્યા છે. હૉસ્પિટલમાં લવાયેલા ઇઝરાયલના લોકો સામાન્ય નાગરિક છે કે સૈનિકો, તે હજી સ્પષ્ટતા નથી કરાઇ.

ઇઝરાયલમાં નાગરિકોને ઇઝરાયલી હૉમ ફ્રન્ટ કમાંડની વૅબસાઇટ નિયમિત જોતા રહેવા અને તેમાં અપાતી સૂચનાનું પાલન કરવાની સૂચના પણ અપાઇ હતી.

ત્રાસવાદી જૂથ હમાસની સશસ્ત્ર પાંખ ‘એઝેદિન અલ-કાસમ બ્રિગેડ્સ’એ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે દુશ્મન ઇઝરાયલના કબજા હેઠળના પ્રદેશને પાછો લેવાનો અને તેઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.

ગાઝા પટ્ટીમાં ભીડ ઇઝરાયલના સૈનિકોના મૃતદેહને ઘસડી જતી હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. દક્ષિણ અને મધ્ય ઇઝરાયલમાં યુદ્ધથી જાનમાલની ભારે હાનિ થઇ છે. રોકેટ હુમલામાં ઘણી ઇમારત અને વાહનોને પણ નુકસાન થયું છે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇને દક્ષિણ અને મધ્ય ઇઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે અને તેઓને જડબાતોડ જવાબ અપાશે.
યુકે, અમેરિકા અને યુરોપના દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી સંગઠન વચ્ચે ફરી શરૂ થયેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગાઝા પટ્ટી સહિતના કેટલાક વિસ્તારના કબજા માટે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે અનેક વર્ષોથી ઘર્ષણ ચાલી રહ્યું છે.

યહૂદી અનુયાયીઓની મોટી જનસંખ્યા ધરાવતા ઇઝરાયલ અને તેની આસપાસના અનેક મુસ્લિમ, ખાસ કરીને આરબ દેશો વચ્ચે ૧૯૪૮થી મોટા પાયે સશસ્ત્ર ઘર્ષણ ચાલી રહ્યું છે અને એકબીજાના દેશ પર અવારનવાર હુમલા કરાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button