યુપીમાં ISI સાથે સંકળાયેલા આતંકવાદીની ધરપકડ, વિસ્ફોટક સામગ્રી જપ્ત

લખનઉઃ ઉત્તર પ્રદેશ એસટીએફ અને પંજાબ પોલીસે સંયુક્ત અભિયાનમાં આજે વહેલી સવારે કૌશાંબી જિલ્લામાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ)ના એક સક્રિય આતંકવાદીની ધરપકડ કરી હતી. આ આતંકવાદી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે કથિત રીતે સંકળાયેલો છે.
પંજાબના અમૃતસરના રામદાસ વિસ્તારના કુર્લિયાન ગામનો રહેવાસી શંકાસ્પદ આતંકવાદી લાઝર મસીહની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. અધિક પોલીસ મહાનિર્દેશક (યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી કૌશાંબીના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો મોટો ખુલાસો, અયોધ્યામાં Ram mandir ઉડાવવાનું હતું ષડયંત્ર
યશે જણાવ્યું કે ઉપલબ્ધ માહિતી મુજબ ધરપકડ કરાયેલ આતંકવાદી સ્વર્ણ સિંહ ઉર્ફે જીવન ફૌજી માટે કામ કરે છે, જે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ)ના જર્મની સ્થિત મોડ્યુલનું નેતૃત્વ કરે છે અને પાકિસ્તાન સ્થિત આઇએસઆઇના ઓપરેટિવ્સ સાથે સીધા સંપર્કમાં છે.
આપણ વાંચો: Syria માં સત્તા પરિવર્તન બાદ અમેરિકા એક્શનમાં, મધ્ય સીરિયામાં કરી એર સ્ટ્રાઈક
તેમણે જણાવ્યું કે યુપી એસટીએફને આતંકવાદી પાસેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી અને ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં સફળતા મળી છે. અધિકારીએ જણાવ્યું કે જપ્ત કરાયેલા હથિયારોમાં ત્રણ સક્રિય હેન્ડ ગ્રેનેડ, બે સક્રિય ડેટોનેટર, એક વિદેશી પિસ્તોલ અને ૧૩ વિદેશી કારતૂસનો સમાવેશ થાય છે.
ઉપરાંત તેના કબજામાંથી સફેદ રંગનો વિસ્ફોટક પાવડર, ગાઝિયાબાદના સરનામા સાથેનું એક આધાર કાર્ડ અને સિમ કાર્ડ વગરનો એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. આ આતંકવાદી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ પંજાબમાં ન્યાયિક કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાનું એડીજીએ જણાવ્યું હતું.