
ઇસ્લામાબાદ: આજથી બે દિવસ બાદ જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આઝાદી સમયે જૂનાગઢના અંતિમ નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય લીધો હતો અને તેની સામે આરઝી હકૂમતની રચના કરીને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું. આ મુદ્દે પાકિસ્તાન જૂનાગઢ પરના કબ્જાનો પાયાવિહોણો દાવો કરતો આવ્યું છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના એક પ્રોફેસરે જ સ્વીકાર્યું છે કે જૂનાગઢ પર પાકિસ્તાનનો દાવો ખોટો હતો અને કાશ્મીર પર ભારતનો જ વાસ્તવિક હક છે.
જૂનાગઢના શાસક મુસલમાન એટલે….
મળતી વિગતો અનુસાર પાકિસ્તાની પ્રોફેસર ઈશ્તિયાક અહમદે કહ્યું છે કે જમ્મુ કાશ્મીર પર ભારતનો જ વાસ્તવિક હક છે. “તેમણે કહ્યું કે પાકિસ્તાને ભાગલા પછી જૂનાગઢ રજવાડા પર દાવો કર્યો હતો, જે તેની સરહદથી 250 કિલોમીટર દૂર ગુજરાતમાં આવેલું હતું. તેનો આ દાવો હતો કે જૂનાગઢના શાસક મુસલમાન છે અને તે ઈચ્છે છે કે તેઓ પાકિસ્તાનમાં આવી જાય અને આથી જૂનાગઢે પાકિસ્તાનમાં રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આ જ પાકિસ્તાનની ભૂલ હતી.”

તેમણે આગળ કહ્યું, “જૂનાગઢની 91 ટકા જેટલી વસ્તી હિન્દુ હતી અને પાકિસ્તાન શાસક મુસ્લિમ હોવાના નામ પર ઇચ્છતું હતું કે જૂનાગઢને પાકિસ્તાનના ભેળવી લેવામાં આવે. જો આ વાત કાશ્મીરમાં લાગુ કરવામાં આવે તો કઈ રીતે તે પાકિસ્તાનનો એક ભાગ હોય શકે. સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવતા ઈશ્તિયાક અહમદે એક પોડકાસ્ટમાં આ વાત કરી હતી.
તેમણે જમ્મુ કાશ્મીર અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, આ જ ભૂલ પાકિસ્તાનની હતી અને જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહે તો કાયદેસર રીતે વિલય પત્ર પર સહી કરીને ભારતમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાને 1947માં જમ્મુ-કાશ્મીરમાં મુજાહિદો મોકલ્યા હતા. આ લોકોએ બારામુલ્લા, પૂંછ જેવા વિસ્તારોમાં ઘૂસીને લૂંટફાટ મચાવી હતી. તેમણે યુએનના પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નિયમ અનુસાર, સૌથી પહેલા તો પાકિસ્તાને જ સેના હટાવવી પડશે. ત્યાર બાદ ભારત ત્યાંથી સૈન્ય હટાવશે અને પછી જનમત સંગ્રહ થશે.
ઝીણા પાસે કોઈ પ્લાન જ નહોતો
તેમણે આ પોડકાસ્ટ દરમિયાન પાકિસ્તાનની સાંપ્રદાયિકતા અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, આજે પાકિસ્તાનમાં એકપણ લઘુમતી સમુદાય બચ્યો નથી. તેના કારણ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ઝીણા પાસે કોઈ પ્લાન જ નહોતો. તેમણે ભારતના ભાગલા તો કરી લીધા પણ દેશ કેમ ચાલે તે અંગે કોઈ આઇડિયા જ નહોતો. આ જ કારણે પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓની તાકાત વધતી ચાલી અને હાવી થઈ ગઈ.



