શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં… | મુંબઈ સમાચાર

શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…

નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ રાજીનામું સ્વૈચ્છિક છે કે રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યું છે, તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. આરોગ્યની સમસ્યા, સરકાર સાથે વિશ્વાસનો અભાવ કે અન્ય રાજકીય કારણોને લઈને ચર્ચાઓએ ગરમાવો પકડ્યો છે. ખાસ કરીને તેમના કેટલાક નિવેદનો અને ન્યાયપાલિકા સામેના આક્રમક વલણ આ રાજીનામાનું કારણ માનવામાં આવે છે. જોકે, આ બધું માત્ર અનુમાન છે, કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

જગદીપ ધનખડની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. તેઓ એક સમયે જનતા દળના સક્રિય નેતા હતા અને સમાજવાદી વિચારધારાને અનુસરતા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા અને ઉપરાષ્ટ્રપતિ જેવું ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. જોકે, તેઓ પહેલા એવા નેતા નથી, જેઓ જનતા દળથી ભાજપમાં આવ્યા અને પછી વિવાદોમાં ફસાયા. મેનકા ગાંધી, સત્યપાલ મલિક અને યશવંત સિન્હા જેવા નેતાઓ પણ આવી જ રીતે જનતા દળના બેગ્રાઉન્ડમાંથઈ ભાજપમાં જોડાયા હતા, પરંતુ સમયઅંતરે પક્ષ સાથે વિશ્વાસની ઉણપથી તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.

જગદીપ ધનખડના રાજીનામાને લઈ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજકીય નિષ્ણાતો અને વિપક્ષના ઘણા નેતાએ એવો દાવો કર્યો છે કે, સરકારનો તેમના પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો હોઈ શકે. ખાસ કરીને ખેડૂત આંદોલન અંગેના તેમના નિવેદનો અને ન્યાયપાલિકા સામેના તેમના આક્રમક વલણે વિવાદોને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત, જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવને સ્વીકારવાનો નિર્ણય પણ તેમના રાજીનામાનું એક કારણ હોવાનું મનાય છે.

જગદીપ ધનખડના રાજીનામાની એક મોટી વાત એ પણ છે કે તેમને ઔપચારિક વિદાયનો મોકો પણ ન મળ્યો. ભાજપના આંતરિક સૂત્રોનું માનવું છે કે જનતા દળના બેગ્રાઉન્ડમાંથી આવેલા નેતાઓ ભાજપની રીતિ-નીતિને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. ભાજપમાં મોટાભાગના નેતાઓ આરએસએસ કે એબીવીપીમાંથી આવે છે, જેઓ વિચારધારાને સમજીને મૌન રહે છે અથવા યોગ્ય મંચ પર જ અસંમતિ વ્યક્ત કરે છે. પરંતુ ધનખડ, સત્યપાલ મલિક કે સુબ્રમણ્યમ સ્વામી જેવા નેતાઓએ અસમજણને કારણએ ટકરાવની સ્થિતિ ઊભી થઈ.

આપણ વાંચો:  મારા પપ્પા પોલીસમાં છે, ગોળી મારી દેશે! માસૂમ બાળકે શિક્ષિકાને આપી ધમકી, જુઓ વીડિયો

જગદીપ ધનખડનું રાજીનામું ભારતીય રાજકારણમાં એક નવી ચર્ચાને જન્મ આપી રહ્યું છે. તેમની વિદાયથી એ વાત સ્પષ્ટ થાય છે કે રાજકીય વિચારધારાઓ અને પક્ષની નીતિઓનું સંતુલન જાળવવું કેટલું મહત્વનું છે. જનતા દળથી ભાજપમાં આવેલા નેતાઓની આવી ઘટનાઓ રાજકીય પક્ષોની આંતરિક ગતિશીલતા અને વિશ્વાસની ભૂમિકા પર પ્રકાશ ફેંકે છે. આ રાજીનામું ભવિષ્યમાં રાજકીય નેતાઓ માટે પણ એક સંદેશ આપે છે કે પક્ષની વિચારધારા અને નીતિઓ સાથે સુમેળ જાળવવો અનિવાર્ય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button