ખાલિસ્તાનીઓ સામે પગલાં લેવામાં કેનેડાની સરકાર લાચાર કે નબળી?
ચંદીગઢઃ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાની ધરતી પર આશરો લેનારા ભારત વિરોધી તત્વો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ એજ લોકો છે જેમની પર ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરાવવાનો અને કરાવવાનો પણ આરોપ છે. કેનેડામાં 7,70,000 શીખો રહે છે, જે ભારતની બહાર શીખોની સૌથી વધુ વસ્તી અહીં જ છે.
તેમાં ઘણા ખાલિસ્તાન માટે પણ કામ કરે છે. ખાલિસ્તાન માટે ચાલી રહેલી અલગતાવાદી ચળવળને કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોનો પણ ટેકો મળી રહ્યો છે. આમ ખાલિસ્તાનના સમર્થક અને આતંકવાદીઓ કેનેડામાં છુપાયેલા છે પરંતું કેનેડાની સરકાર કોઇ જ કાર્યવાહી નથી કરતી, ત્યારે કોઇપણને પ્રશ્ર્ન થાય કે ઘણા મૂળ ભારતીયો ત્યાં રહે છે અને કામ પણ કરે છે તે પછી આ પ્રશ્ર્નો કેમ?
આ આજથી 109 વર્ષ પહેલાની વાત છે. 1914માં જાપાની જહાજ કોમાગાટા મારુ કે જેમાં 376 ભારતીયો હતા, તેમાં પણ મોટાભાગના પંજાબના હતા તે જહાજને કેનેડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી, . તે સમયે તેમને રોકવા માટે 1908ના કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ લગભગ 100 વર્ષમાં તો કેનેડામાં દરેક જગ્યાએ ભારતીયો દેખાવા લાગ્યા, ત્યારે કેનેડાના વડા પ્રધાને દેશની સંસદમાં તે ઘટના માટે માફી માંગી. જો કે જહાજ વાળી ઘટનાને કારણે ઘણું બદલાઈ ગયું હતું અને હવે કેનેડા ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે, પરંતુ તે સાથે સાથે ભારત માટે ઘણી સમસ્યાઓ પણ ઉભી કરી રહ્યું છે.
ગયા વર્ષે સિદ્ધુ મૂસેવાલાની હત્યા હોય કે પછી 2021માં લુધિયાણા કોર્ટમાં થયેલો બ્લાસ્ટ હોય કે પછી પંજાબના મોગામાં કોંગ્રેસના નેતાની હત્યા હોય. આ તમામ ગુનાઓ કથિત રીતે કેનેડામાં સ્થાયી થયેલા ગેંગસ્ટરો અને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ગોલ્ડી બરાર 29 વર્ષનો છે અને તે 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાની હત્યાની જવાબદારી લીધી છે. તેના પર નવેમ્બર 2022માં પંજાબના ફરીદકોટમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયી પ્રદીપ કુમારની હત્યાનો પણ આરોપ છે.
અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા ઓક્ટોબર 2018માં વિઝિટર વિઝા પર કેનેડા પહોંચ્યો હતો. લુધિયાણાનો રહેવાસી અર્શદીપ પણ ઘણા કેસમાં આરોપી છે અને NIA તેને શોધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. તેવી જ રીતે ગુરજીત સિંહ ચીમા ગુરદાસપુર જિલ્લાના ચીમા ગામનો રહેવાસી છે અને કેનેડાના બ્રેમ્પટન અને ટોરોન્ટોમાં રહે છે. તે 2017માં પંજાબ આવ્યો હતો અને આરોપ છે કે તેણે પાકિસ્તાનથી હથિયાર મેળવવા માટે સ્થાનિક હેન્ડલર્સને પૈસા આપ્યા હતા. 2017માં જ તેમની સામે UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મલકિત સિંહ ફૌજી કેનેડાના સરે શહેરમાં રહે છે, અને મૂળ અમૃતસરના છે. તે બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે. વર્ષ 2017માં તેની વિરુદ્ધ પંજાબમાં UAPAનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ભારતીય દૂતાવાસોની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા ધમકીઓ અને વિરોધ મળવાનું સામાન્ય બની ગયું છે. ભારતે ખાલિસ્તાની તત્વોની આવી પ્રવૃત્તિઓ સામે અનેક વખત વિરોધ નોંધાવ્યો છે, પરંતુ કેનેડાની સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી. 2021ની વસ્તી ગણતરી મુજબ કેનેડાની વસ્તીના આશરે 2.1 ટકા જ શીખો છે અને કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા ધાર્મિક જૂથ છે. તેમાંના ઘણા કેનેડિયન સંસદના સભ્યો છે, અને આ રાજકીય મજબૂરીઓને લીધે કેનેડાએ તાજેતરના વર્ષોમાં ખાલિસ્તાનીઓ પ્રત્યે તેનું વલણ નરમ બનાવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે જે દેશોમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા વધુ છે તે દેશોએ તેમની ધરતી પર રહેતા લોકો ભારત વિરુદ્ધ ષડયંત્ર ન કરે તેનું ધ્યાન રાખવું જ જોઈએ.