નેશનલ

ઈરાને કેદ કરેલા 16માંથી 8 ભારતીય નાગરિકો મુક્ત, રણધીર જયસવાલે આપી વિગતો

નવી દિલ્હી: ઈરાનમાંથી ભારતીય નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને 16 ભારતીય નાગરિકોની ધરપડડ કરી હતી તેમાંથી બે મહિનાની કેદ બાદ 8ને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ઈરાન સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય!

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, ‘17 જાન્યુઆરીના રોજ ઈરાનથી ભારતીય નાગરિકો વિશે માહિતી મળી હતી. તેહરાને ભારતીય દૂતાવાસને જાણ કરી હતી કે 16 ભારતીય નાગરિકો ધરાવતા એમટી વેલિયન્ટ રોરના ક્રૂ મેમ્બરને ડિસેમ્બરમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ, બંદર અબ્બાસમાં ભારતીય કોન્સ્યુલેટે ઈરાની અધિકારીઓને ભારતીય ક્રૂ સાથે મળવા માટે ઘણી વિનંતીઓ કરી હતી. હવે તે 16 માછીમારોમાંથી 8 વ્યક્તિઓને ઈરાની અધિકારીઓએ મુક્ત કર્યા છે

ક્યાં ક્યા ભારતીયોને ઈરાન સરકારે છોડ્યાં?

આ 8 ભારતીય નાગરિકો યાત્રાથી જોડાયેલી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી ઘરે પરત ફરશે. બાકીના 8 ભારતીયોને માટે અમે ઈરાન સરકાર સાથે સંપર્કમાં છીએ અને તેમને જરૂરી સમર્થન આપીશું તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે.

મુક્ત થયેલા ભારતીય નાગરિકોની વાત કરવામાં આવે તો, તેમાં શોએબ અખ્તર, અનસારી મંઝૂર, આકાશ કુમાર સિંહ, રમેશ આરો ડેરિશ થાસન, ગોપાલ ચૌહાણ, દિવાકર પુઠી, આકાશ ગુપ્તા અને વિશાલ કુમારના નામનો સમાવેશ થાય છે.

અન્ય 8 ભારતીયો ભારત ક્યારે આવશે?

આ સાથે બાકીના 8 ભારતીયોના પરિવારો પણ આશા છે કે ભારત સરકાર દ્વારા તેમની પૂરી મદદ કરવામાં આવશે. MEAએ જણાવ્યું કે તેઓએ ઈરાની અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવ્યો છે અને શીઘ્ર મુક્તિની અપેક્ષા છે. આ ઘટના દર્શાવે છે કે કૂટનીતિ અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા કેવી રીતે સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. આ મામલે વિદેશ પ્રધાન એસ જયશંકરની ટીમના પ્રયાસોની સરાહના થઈ રહી છે. પરિવારોની ચિંતા ઘટી છે અને તેઓએ સરકારનો આભાર માન્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button