ઝારખંડમાં નકલી સરકારી સાહેબ પકડાયા: 7 વર્ષ IAS અધિકારી બનીને ફર્યો, આ રીતે પકડાયો…

રાંચી: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન(UPSC)ની પરીક્ષા વિશ્વમાં સૌથી કઠીન પરીક્ષાઓમાની એક માનવામાં આવે છે, જેના માટે દર વર્ષે લાખો ઉમેદવારો માંથી માત્ર ગણતરીના જ આ પરીક્ષા પાસ કરી શક છે. સામાન્ય રીતે પાસ ન થઇ શકતા યુવકો આગમી પરીક્ષાની તૈયારીમાં લાગી જતાં હોય છે, પરંતુ ઝારખંડના એક યુવાને અલગ રસ્તો અપનાવ્યો હતો.
ચાર વાર UPSCની પરીક્ષામાં નાપાસ થતાં રાજેશ કુમાર નામના યુવાને નકલી આઈડી કાર્ડ બનાવીને સરકારી અધિકારીનો સ્વાંગ ધર્યો અને સાત વર્ષ સુધી ના પકડાયો, હવે તેની ધરપકડ કરવામાં આવી છે.અહેવાલ મુજબ ઝારખંડમાંથી લગભગ સાત વર્ષ સુધી ઇન્ડિયન પોસ્ટ્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસ (IPTAS) ટોચના અધિકારી તરીકેની ઓળખાણ આપીને ફરતા 35 વર્ષીય રાજેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે.
પિતાને ખુશ કરવા બન્યો નકલી અધિકારી:
અહેવાલ મુજબ રાજેશ કુમારે ચાર વખત UPSC પરીક્ષા આપી હતી પણ તે પાસ ના થઇ શક્યો, પરંતુ તે તેના પિતા સમક્ષ સફળ દેખાવા માંગતો હતો, તેને UPSC પાસ કરી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું અને પોતાને એક ઉચ્ચ સરકારી અધિકારી ગણાવવાનું શરુ કર્યું. તેણે એક નકલી આઈડી કાર્ડ બનાવ્યું અને ‘ભારત સરકાર’ લખેલી નકલી નેમપ્લેટવાળી કાર સાથે ફરવાનું શરુ કર્યું.
આ રીતે પકડાયો:
ગત 2જી જાન્યુઆરીના રોજ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. રાજેશ કુમાર એક જમીન વિવાદ મામલે હુસેનાબાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને સ્ટેશન હાઉસ ઓફિસરને મળવાનું જણાવ્યું. તેણે પોતે 2014 બેચના ઓડિશા કેડરનો IAS અધિકારી હોવાનું જણાવ્યું અને હાલમાં ભુવનેશ્વરમાં ચીફ એકાઉન્ટ્સ ઓફિસર (CAO) તરીકે પોસ્ટેડ છે. તેણે પોલીસને એમ પણ જણાવ્યું કે તે અગાઉ દેહરાદૂન અને હૈદરાબાદમાં પણ ફરજ બજાવી ચુક્યો છે. પોલીસ સ્ટેશન છોડતા પહેલા તેમણે પોતે IPTAFS અધિકારી હોવાનો પણ દાવો કર્યો હતો.
પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો:
વાતચીત દરમિયાન શંકા જતા પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસરે તપાસ હાથ ધરી, જેમાં જાણવા મળ્યું કે રાજેશ કુમાર કોઈ સરકારી સેવામાં કાર્યરત ન નથી. ત્યારબાદ રાજેશ કુમારની અટકાયત કરવામાં આવી.
પોલીસના જણાવ્યા મુજબ રાજેશ કુમારે કબૂલાત કરી લીધી છે, તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.



