IPS અધિકારી દલજીત સિંહ ચૌધરીને સોંપાયો BSF મહાનિર્દેશકનો ચાર્જ

નવી દિલ્હી: સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરીને ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના મહાનિર્દેશક પદનો વધારાનો હવાલો સોંપ્યો છે. BSFના ડીજી નીતિન અગ્રવારને તેમના રાજ્ય કેડરમાં પાછા મોકલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1990 બેચના IPS અધિકારી દલજીત સિંહ ચૌધરીને કેન્દ્ર સરકારે 19 જાન્યુઆરીએ તેમને SSBના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ હોદ્દો સંભાળ્યા પહેલા તેઓ સીઆરપીએફના વિશેષ મહાનિર્દેશક તરીકે ફરજ પર હતા.
કેન્દ્ર સરકારે શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ અને તેમના નાયબ વિશેષ મહાનિર્દેશક (પશ્ચિમ) વાય. બી. ખુરાનિયાને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર બંનેને તેમના મૂળ રાજ્ય કેડરમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. નીતિન અગ્રવાલ 1989 બેચના કેરળ કેડરના અધિકારી છે, જ્યારે વાય.બી. ખુરાનિયા 1990 બેચના ઓડિશા કેડરના અધિકારી છે.
આ પણ વાંચો : Delhi માં UPSCની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનીએ આત્મ હત્યા કરી, સુસાઇડ નોટમાં વર્ણવ્યું દર્દ
નીતિન અગ્રવાલે ગયા વર્ષે જૂન મહિનામાં સીમા સુરક્ષા દળના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે જ વિશેષ મહાનિર્દેશક તરીકે ખુરાનિયા પાકિસ્તાન બોર્ડર પર ફોર્સનું નેતૃત્વ કરી રહ્યા હતા. નિમણૂક સબંધિત કેબિનેટની સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવાયુ હતું કે તેઓને તાત્કાલિક અસરથી અને સમયમર્યાદા પહેલાં પાછા મોકલી દેવામાં આવ્યા છે. લગભગ 2.65 લાખ કર્મચારીઓ ધરાવતા BSF પર પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષાની જવાબદારી છે.
BSF દ્વારા નિયંત્રિત ભારત-પાકિસ્તાન સરહદ નજીક જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે તે સમયે બે IPS અધિકારીઓને રાજ્ય કેડરમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે જ રાજૌરી, પુંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લામાં 22 લોકોના મોત થયા છે, જેમાંથી 11 સુરક્ષા દળોના જવાનોનો સમાવેશ થાય છે. જો કે બીએસએફે ઘૂસણખોરીની કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો છે.