નેશનલ

iPhone Smuggling: 1285 કરોડના આઇફોન દાણચોરી રેકેટનો પર્દાફાશ, 2. 18 કરોડની રોકડ જપ્ત

દિલ્હી: સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)વિભાગે દિલ્હીમાં રૂપિયા 1,285 કરોડના આઇફોનની દાણચોરી( iPhone Smuggling)કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગની કડી દુબઈ અને હવાલાની કડીઓ સાથે જોડાઈ રહી છે. આ આરોપીઓ દુબઈ સહિત અન્ય ઘણા દેશોમાંથી આઈફોન અને અન્ય મોંઘી વસ્તુઓની દાણચોરી કરતા હતા અને તેને જીએસટી વગર વેચતા હતા. આ કેસમાં મુખ્ય આરોપી કપિલ અરોરાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રૂપિયા 2.18 કરોડની રકમ પણ રિકવર કરવામાં આવી હતી.

વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા

CGSTએ આ મામલામાં કપિલ અરોરાની ગફાર માર્કેટ દિલ્હીના કરોલ બાગમાં આવેલી ઓફિસ અને ઈસ્ટ પટેલ નગરમાં તેમના ઘર પર દરોડા પાડ્યા હતા. આ ઓફિસમાંથી 13 લાખ રૂપિયા અને તેની પત્ની ગરિમા અરોરાના ઘરેથી 2.05 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. કપિલની અરોરા કોમ્યુનિકેશન અને સેલફોન બેડલો નામની બે કંપનીઓ છે. આ કંપનીઓની આડમાં તે દુબઈ અને ચીનમાંથી આઈફોનની દાણચોરી કરતો હતો. આ ફોન ગેરકાયદેસર રીતે અને જીએસટી વગર વેચવામાં આવતા હતા. તેમજ હવાલા મારફતે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

ડ્રગ્સ દાણચોરીના કેસમાં કબીરના નજીકના સહયોગીની ધરપકડ

આ તપાસમાં સામે આવ્યું છે કે કપિલ ડ્રગ સ્મગલર કબીર તલવારની નજીક છે. NIA દ્વારા 21 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં કબીરની ધરપકડ કરવામાં આવી હતી. કબીરની દિલ્હીમાં ઘણી ક્લબ છે. કબીર ફોન સ્મગલિંગમાં પણ સામેલ હોઈ શકે છે.

Also Read – શું 1 નવેમ્બરથી ફોનમાં OTP નહીં આવે? TRAI અને ટેલીકોમ કંપનીઓનું આવું છે પ્લાનિંગ…

ED અને NIA પણ તપાસ કરી શકે છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)આ કેસનો કબજો લઈ શકે છે કારણ કે તપાસમાં અનેક હવાલા ચેનલો અને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સંપર્કો બહાર આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button