મુંબઇ : ભારતીય શેરબજારમાં છેલ્લા એક મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં બજારના ખરાબ સેન્ટીમેન્ટની આઇપીઓ માર્કેટ(IPO Market)પર પણ અસર જોવા મળી રહી છે. જેમાં છેલ્લા ઘણા સમયની અનેક આઇપીઓ બે થી ત્રણ ઘણા ઓવર સબ્સ્ક્રાઇબ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સ્વિગી અને સેજીલિટી ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ પછી હવે હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરની કંપની નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સનો આઈપીઓ પણ આખરી સમયે ભરાયો છે. જે છેલ્લા દિવસે માત્ર 1.80 ગણા સબસ્ક્રિપ્શન સાથે બંધ થયો.
3,14,28,571 શેર રિટેલ રોકાણકારો માટે અનામત
જેમાં નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સનો આઈપીઓ 7 નવેમ્બરે ખુલ્યો હતો અને 11 નવેમ્બરે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. IPOમાં સંસ્થાકીય રોકાણકારો માટે 9,42,85,715 શેર અનામત રાખવામાં આવ્યા હતા અને આ કેટેગરી માત્ર 2.06 વખત સબ્સ્ક્રાઇબ થઈ શકે છે. 4,71,42,857 શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત હતા અને આ કેટેગરી માત્ર 0.68 વખત જ ભરી શકાય તેમ હતી. 3,14,28,571 શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા હતા.
આ કેટેગરી 2.73 વખત ભરપાઈ થઇ હતી.
ગુરુવારે NSE અને BSE પર લિસ્ટ થશે
નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ આઈપીઓ દ્વારા બજારમાંથી રૂપિયા 2200 કરોડ એકત્ર કરી રહી છે. જેમાંથી રૂપિયા 800 કરોડ નવા શેર જાહેર કરીને અને રૂપિયા 1400 કરોડ ઓફર ફોર સેલ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે. કંપનીએ રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે રૂપિયા 70-74ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. 12મી નવેમ્બરે ફાળવણીનો આધાર નક્કી કરવામાં આવશે. રોકાણકારોને 13 નવેમ્બરે રિફંડ આપવામાં આવશે અને તે જ દિવસે રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે અને નિવા બુપાનો IPO 14 નવેમ્બર ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE પર લિસ્ટ થશે.
Also Read – Stock Market: નબળા વૈશ્વિક સંકેતોની શેરબજારમાં અસર, સેન્સેકસમાં 400 પોઇન્ટનું ગાબડું
નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ નફામાં 552 ટકાનો ઉછાળો
બૂપા સિંગાપોર હોલ્ડિંગ્સ પીટીઇ લિમિટેડ અને બૂપા ઇન્વેસ્ટમેન્ટ્સ ઓવરસીઝ લિમિટેડ એ નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રમોટર કંપનીઓ છે. નાણાકીય વર્ષ 2023-24માં નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સની આવકમાં 44.05 ટકા અને ચોખ્ખા નફામાં 552 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.