સોનામાં તેજી: આજે કરેલું પાંચ લાખનું રોકાણ 2030માં કેટલું આપશે વળતર?

સોનાની કિંમતોમાં પાછલા ઘણા સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જેના કારણે રોકાણકારો તેમાં રોકાણ કરવા માટે આકર્ષિત થઈ રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ જોતા, સોનાની કિંમત ₹1.50 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ચૂકી છે. આજે, 23 નવેમ્બરના ભાવની વાત કરીએ તો, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,25,990 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. સોનાના ભાવમાં એક દિવસમાં 1870 રૂપિયાનો વધારો થયો છે.
ભારત જેવા દેશમાં સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે પરંપરાઓનો અને ખરાબ આર્થિક સ્થિતિમાં મદદરૂપ સાબિત થવાની માન્યતાનો એક ભાગ છે. જોકે, વધતી મોંઘવારી, વૈશ્વિક અને સ્થાનિક આર્થિક અનિશ્ચિતતાને કારણે તેની માંગ ઝડપથી વધી છે અને કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. જો આપણે વર્ષ 2000 થી 2025 સુધીનો ટ્રેક રેકોર્ડ જોઈએ, તો સોનાના ભાવે ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 14 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું છે. આ 25 વર્ષોમાં માત્ર ત્રણ વર્ષ (2013, 2015 અને 2021) જ એવા રહ્યા છે, જેમાં સોનાના ભાવે નકારાત્મક વળતર આપ્યું હોય.
આજથી 25 વર્ષ પહેલા, એટલે કે વર્ષ 2000માં 24 કેરેટ સોનાની કિંમત માત્ર ₹4,400 પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે ₹1.25 લાખની સપાટીએ પહોંચી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવે દર વર્ષે સરેરાશ 25 થી 35 ટકાની આસપાસ વળતર આપ્યું છે. આ મજબૂત વૃદ્ધિને જોતાં, નાણાકીય નિષ્ણાતો આવનારા વર્ષોમાં પણ તેની કિંમતોમાં જોરદાર ઉછાળો અને તગડું વળતર મળવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આના આધારે, જો આજે વર્તમાન ભાવે ₹5 લાખનું સોનું ખરીદવામાં આવે, તો 2030 સુધીમાં તેના પર બમણાથી વધુ વળતર મેળવવાની શક્યતા છે.
વર્ષ 2030 સુધીમાં કિંમતો ક્યાં પહોંચી શકે?
સોનાના ભાવ પર નજર રાખતા નિષ્ણાતો અને વિવિધ અહેવાલો આગામી સમયમાં સકારાત્મક વળતરની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ સતત વધતી મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતા છે, જેના કારણે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાની માંગમાં વધુ તેજી આવવાની અને કિંમતોમાં ઉછાળો થવાની અપેક્ષા છે. કેટલાક રિપોર્ટ્સ સૂચવે છે કે જો સોનાના ભાવ આ જ ગતિએ વધતા રહ્યા, તો વર્ષ 2030 સુધીમાં તેની કિંમતો ₹2.50 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, કેટલાક આશાવાદી અહેવાલો તો 10 ગ્રામ સોનાના ભાવ ₹7 લાખથી ₹7.50 લાખ સુધી પહોંચવાનો પણ અંદાજ વ્યક્ત કરી ચૂક્યા છે.
ડિસ્ક્લેમરઃ આ રિપોર્ટ સંશોધન આધારિત છે. બાકી માર્કેટમાં રોકાણ કરતા પૂર્વે કોઈ સલાહકારની સલાહ લેવી, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી.



