એનઆઈએ, એટીએસના રડાર પર અલ-ફલાહ કેમ્પસના ડૉક્ટર્સ: 1,000થી વધુ લોકોની કરાઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટમાં ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’નું કનેક્શન સામે આવ્યું છે. આ મોડ્યુલમાં ડૉક્ટરો આતંકી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ખાસ વાત તો એ છે કે આ ડૉક્ટર ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા. જેને લઈને હવે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરતી ગુપ્તચર તપાસ એજન્સીની શોધખોળ સંપૂર્ણપણે અલ-ફલાહ યુનિવર્સિટીની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ છે. આ યુનિવર્સિટીના અનેક ડૉક્ટર્સ હવે ગુપ્તચર તપાસ એજન્સીના રડાર પર છે.
અલ-ફલાહ યુનિવર્સિટી પર સવાલો
આત્મઘાતી બોમ્બર ડો. ઉમર ઉન નબીએ, અલ-ફલાહ યુનિવર્સિટીથી એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો અને તે અહીં જ એપ્રેન્ટિસશીપ કરી રહ્યો હતો. 2023માં ઉમર લગભગ છ મહિના સુધી કોઈ પણ પૂર્વ સૂચના કે રજા લીધા વગર હોસ્પિટલ અને યુનિવર્સિટીમાંથી ગેરહાજર રહ્યો હતો. સૌથી વિચિત્ર વાત એ છે કે છ મહિનાની લાંબી રજા બાદ જ્યારે ફરજ પર પાછો ફર્યો હતો, ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ ઘટનાક્રમે યુનિવર્સિટીમાં કોઈ હેન્ડલર હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
ઉમર હંમેશાં નાઈટ શિપમાં કામ કરતો
યુનિવર્સિટીના અન્ય ડોક્ટરોએ પણ તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે, ઉમરને હંમેશા હોસ્પિટલમાં સાંજ કે રાત્રિની પાળીમાં જ સોંપવામાં આવતી હતી. તે ક્યારેય સવારની પાળીમાં સોંપવામાં આવ્યો નહોતો. વિસ્ફોટ બાદ યુનિવર્સિટીમાંથી કોણ બહાર નીકળી ગયું, તેની તપાસ ચાલી રહી છે. અલ ફલાહ યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટર્સ, લેક્ચરર્સ અને સ્ટાફ હાલમાં તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં બહાર રહેતા વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને રૂમની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉમરની મદદ કરનાર મહિલાની ધરપકડ
NIA જેવી એજન્સીની તપાસની અસર હોસ્પિટલ પ્રશાસન પર પણ પડી છે. તાજેતરમાં હોસ્પિટલના ઘણા કર્મચારીઓ પોતાનો સામાન વાહનોમાં મૂકતા જોવા મળ્યા હતા, જ્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અડધાથી વધુ ઘટી ગઈ છે.
તપાસ એજન્સીએ નૂહની હિદાયત કોલેજમાં આત્મઘાતી બોમ્બર ડો. ઉમર ઉન નબી માટે રૂમ ભાડે લેનારી 35 વર્ષીય મહિલા (આંગણવાડી કાર્યકર)ની અટકાયત કરી છે, જે વિસ્ફોટ બાદ ફરાર હતી. ઘણા લોકોએ તેમના મોબાઈલ ફોનનો ડેટા ડિલીટ કરી દીધો છે, જેની પણ તપાસ કરવામાં આવશે. આવનારા દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે, એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.
એનઆઈએ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, UP ATS, ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની તમામ એજન્સીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં એક કામચલાઉ કમાન્ડ સેન્ટર સ્થાપિત કર્યું છે.



