NCBએ રૂ.2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો, માસ્ટર માઈન્ડ તમિલ ફિલ્મ નિર્માતા, આ રીતે થયો ખુલાસો

દિલ્હી પોલીસ અને નારકોટીકસ કંટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. અહેવાલો મુજબ આ સિન્ડિકેટે અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સનું વેચાણ કર્યું છે. સિન્ડિકેટનો મુખ્ય સુત્રધાર તમિલ ફિલ્મ ઉદ્યોગનો નિર્માતા છે. માર્ચમાં તેની એક ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતા હાલમાં ફરાર છે, તેની સામે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે.
આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા ત્રણ લોકોની દિલ્હીમાં 50 કિલો સ્યુડોફેડ્રિન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગનું નેટવર્ક ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સુધી વિસ્તરેલું છે. હેલ્થ મિકસ પાવડર, સૂકા નાળિયેર જેવી ખાદ્ય ચીજોની આડમાં હવાઈ અને દરિયાઈ કાર્ગોના માધ્યમથી ડ્રગ્સનું સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટે NCB ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન પ્રસાશન સાથે મળીને તપાસ કરી રહી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડના કસ્ટમ અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયન પોલીસ પાસેથી માહિતી મળી હતી કે સૂકા નારિયેળના પાવડરમાં સંતાડીને સ્યુડોફેડ્રિન ડ્રગ્સનો મોટો જથ્થો બંને દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે.
અહેવાલો મુજબ યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન પાસેથી NCBને માહિતી મળી હતી કે ડ્રગ્સ દિલ્હીથી આવી રહ્યું છે. સ્યુડોફેડ્રિનનો ઉપયોગ મેથામ્ફેટામાઇન બનાવવા માટે થાય છે, જે વિશ્વભરમાં સૌથી વધુ માંગ ધરાવતું ડ્રગ્સ છે. તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આશરે રૂ. 1.5 કરોડ પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
તપાસ માટે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NCBની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. લગભગ 4 મહિનાની તપાસ બાદ જાણવા મળ્યું કે આ સિન્ડિકેટ ઓસ્ટ્રેલિયામાં વધુ એક કન્સાઇનમેન્ટ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ પછી ટીમે 15 ફેબ્રુઆરીએ પશ્ચિમ દિલ્હીના બસાઈ દારાપુરમાં વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપીઓ મલ્ટીગ્રેન ફૂડ મિશ્રણના ઢાંકેલા કન્સાઇનમેન્ટમાં સ્યુડોફેડ્રિન પેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન 50 કિલો સ્યુડોફેડ્રિન મળી આવ્યું હતું. આ ગેંગના ત્રણ ઓપરેટિવની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે છેલ્લા 3 વર્ષમાં કુલ 45 કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 3500 કિલો સ્યુડોફેડ્રિન હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2000 કરોડ રૂપિયાથી વધુ છે.
આ સિન્ડીકેટના માસ્ટર માઈન્ડની ઓળખ તમિલ ફિલ્મના નિર્માતા તરીકે થઈ છે, જે ફરાર છે. તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી સ્યુડોફેડ્રિન નો સ્ત્રોત શોધી શકાય. આ ઉપરાંત, NCB સંબંધિત દેશોમાં સ્થિત ઓપરેટિવ્સની ધરપકડ કરવા માટે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન પ્રશાસનના સંપર્કમાં છે, જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.