‘સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા એક દાયકામાં 207.60 GWથી વધુ, 175 ટકાનો વધારો’: કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશી

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિન્યુએબલ એનર્જી માટેના તેમના વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરીને ટકાઉ વિકાસ માટેનું નિર્ધાર કર્યો છે. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતે તેના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ગ્રીડ-કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ્સ માટેના ટેરિફમાં 76 ટકા ઘટાડો થયો છે સાથોસાથ આપણી સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ- 2014માં 75.52 GWથી વધીને આજે 207.60 GWથી વધુ થઈ ગઈ છે, જે 10 વર્ષોમાં 175 ટકા નો વધારો સૂચવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, ભારતમાં કુલ રિન્યુએબલ એનર્જી જનરેશનમાં 86 ટકા નો વધારો થયો છે, એટલે કે રિન્યુએબલ એનર્જી જનરેશન 193.50 બિલિયન યુનિટથી વધીને 360 બિલિયન યુનિટ થયું છે.
વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની શરૂઆત કરી છે તેમ જ વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી માટેના લક્ષ્યાંકને વર્ષ 2021-22 માં જ હાંસલ કરવામાં આવ્યો છે.
વધુમાં મંત્રીએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, વર્ષ – 2030 સુધીમાં 500 GW ના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, વિકાસકર્તાઓ, ઉત્પાદકો અને નાણાકીય સંસ્થાઓ તરફથી વ્યાપક પ્રોત્સાહન મળ્યું છે.
આપણ વાંચો: પવન ઊર્જાની ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો દેશમાં ડંકો
વર્ષ – 2030 સુધીમાં વિવિધ ઉત્પાદકો દ્વારા 570 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદિત કરવાનું આયોજન છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્પાદકોએ સોલર મોડ્યુલમાં 340 ગીગાવોટ, સોલાર સેલમાં 240 ગીગાવોટ, વિન્ડ ટર્બાઈનમાં 22 ગીગાવોટ તેમજ ઇલેક્ટ્રોલાઈઝર્સમાં 10 ગીગાવોટની વધારાની ક્ષમતા પ્રતિબદ્ધ કરી છે અને નાણાકીય સંસ્થાઓએ 386 બિલિયન ડોલર એટલે કે રૂ. 32.45 લાખ કરોડનું રોકાણ કરશે જેના થકી નયા ભારતના નિર્માણમાં વિકસિત ભારત 2047ના વિઝનનો પાયો નખાશે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ડેનમાર્કના ઉદ્યોગ અને નાણાકીય બાબતોના મંત્રી માર્ટિન વોડસ્કોવ, જર્મનીના આર્થિક સલાહકાર-વિકાસ મંત્રી સ્વેન્જા શુલઝે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સમિટમાં રાજ્યમંત્રી મંડળના સભ્ય, સાંસદો, ધારાસભ્યો, વિવિધ દેશો અને રાજ્યોમાંથી પધારેલા ડેલિગેટ્સ તેમજ કેન્દ્ર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.