
શ્રીનગર: આજે રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પરથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા હતાં.
સેનાને આજે સવારે 4:00 વાગ્યાના અરસામાં કુપવાડાના કેરન સેક્ટરમાં આતંકવાદીઓની હિલચાલ અંગે જાણ થઇ હતી. ઝડપથી કાર્યવાહી કરતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘુસણખોરો કરી રહેલા આતંકવાદીઓએ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઇ હતી. સેનાના ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હૈદર ચોકી નજીક બે આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઘૂસણખોરી માટે આતંકવાદીઓ LoC પાર લોન્ચ પેડ્સ પર રાહ જોઈને બેઠા છે. શિયાળાની શરૂઆત પહેલા ઘૂસણખોરીના પ્રયાસો વધી જતા હોય છે. પરંતુ સુરક્ષા દળો ઘુસણખોરીની કોઈપણ પ્રયાસને નિષ્ફળ કરવા માટે તૈયાર હતા.
ગયા અઠવાડિયે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાના આરોપમાં દક્ષિણ કાશ્મીરમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
જુલાઈના મહિનાના અંતે સેનાના ચુનંદા પેરા કમાન્ડોએ શ્રીનગરની બહારના વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.
આ પણ વાંચો…નાગપુરની નર્સ પાકિસ્તાન શા માટે પહોંચી? LoC પાર કરવા પાછળનું રહસ્ય?